લેબોરેટરી ટેસ્ટ પહેલાં સાવચેત રહો! રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત

gujarat bogus laboratory: ગુજરાતમાં આરોગ્ય સેવાઓની દશાને વધુ પડતી ચિંતાજનક બનાવતી ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત હોવાનો ખુલાસો થયો છે.

Author image Aakriti

ગુજરાતમાં આરોગ્ય સેવાઓની દશાને વધુ પડતી ચિંતાજનક બનાવતી ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યમાં 7,000થી વધુ ગેરકાયદેસર લેબોરેટરીઓ કાર્યરત હોવાનો ખુલાસો થયો છે, જેમાં મોટાભાગની લેબ પેથોલોજી નિષ્ણાત વિના ચલાવવામાં આવી રહી છે. આ લેબોરેટરીઝમાં ડિગ્રી વગરના ટેક્નિશિયન દ્વારા રિપોર્ટ તૈયાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાટ થઈ રહ્યા છે.

ખોટા રિપોર્ટના આધારે ઓપરેશન સુધીની ગેરવ્યવસ્થા

આમ જ થોડા સમય પહેલા ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડથી રાજ્યમાં હડકંપ મચી ગયો હતો, જ્યાં દર્દીઓને ખોટા રિપોર્ટ આપી ઓપરેશન કરવામાં આવતા હતા. આ પ્રકરણ રાજ્યના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ધમધમતા જાળને બહાર લાવનારું સાબિત થયું.

MD પેથોલોજી ડિગ્રી વગર લેબ ચલાવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ

નિયમ મુજબ પેથોલોજી લેબ ચલાવવા માટે MD પેથોલોજી ડિગ્રી અને લાયસન્સ જરૂરી છે. છતાંય રાજ્યમાં મોટાભાગની લેબ આ નિયમોને અવગણીને ચાલતી જોવા મળી છે. આ લેબોમાંથી ઘણીવાર ડોક્ટર કે નિષ્ણાતની સહી વગરના રિપોર્ટ આપવામાં આવે છે, જેના પરિણામે દર્દીઓના રોગનિદાનમાં ગંભીર ભૂલો થાય છે.

ગેરકાયદે લેબના રિપોર્ટના આધારે થયેલા ખોટા રોગનિદાન દર્દીઓના જીવ માટે ગંભીર જોખમ છે. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદથી જ આરોગ્ય વિભાગની કામગીરી અને જવાબદારી પર સવાલો ઊભા થયા છે. આ લેબોરેટરીઓ રાજ્યના નાગરિકો માટે આરોગ્યની સુવિધાઓને "કુવો કે ખાઈ" જેવી સ્થિતિમાં મુકતી હોય તેવું લાગે છે.

નાગરિકોને શું કરવું જોઈએ?

રાજ્યના નાગરિકોએ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા પહેલા તેની માન્યતા ચકાસવી જોઈએ. પેથોલોજી લેબનું લાયસન્સ અને નિષ્ણાતોની હાજરીની ખાતરી કર્યા પછી જ આરોગ્ય ચકાસણી કરાવવી જરૂરી છે.

આ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગે ગેરકાયદેસર લેબને બંધ કરવા માટે તાકીદે પગલાં લેવું જોઈએ અને નાગરિકોના આરોગ્ય માટે વિશ્વાસપૂર્વકની સેવા પુરી પાડવી જોઈએ.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર