
Kutch Nita Chaudhary Case: કચ્છમાં દારૂ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે.
ભચાઉ, કચ્છ: કચ્છમાં દારૂ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
ભચાઉમાં સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ગાડીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું કે નીતા ચૌધરી જ રાજસ્થાનથી કચ્છ દારૂ લાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતા ચૌધરી અગાઉ પણ અનેક વિવાદમાં આવી ચૂકી છે. મોટા નેતાઓના હસ્તક્ષેપને કારણે તે વધુ ચર્ચામાં આવી નહોતી. તેના પતિ પણ રાજકારણી છે અને સ્થાનિક રાજકારણમાં સક્રિય છે.
નીતા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના 78 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોલીસ યુનિફોર્મમાં ડાયલોગબાજી કરતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો, જેને કારણે સિનિયર અધિકારીઓએ તેને ઠપકો આપ્યો હતો.
હવે જોવાનું એ છે કે ભૂતકાળની જેમ જ આ વખતે પણ તે બચી જશે કે નહીં. હવેથી તેના પર આકરી કાયદાકીય કાર્યવાહી થશે કે નહીં તે જોવા જેવી વાત છે.