હિન્ડનબર્ગના એક મોટા સમાચારના કારણે અદાણી ગ્રુપના શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. શોર્ટ-સેલર ફર્મ હિન્ડનબર્ગના બંધ થવાના નિર્ણયનો અદાણી ગ્રુપના શેર પર સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
બે વર્ષ પહેલા આ જ મહિને હિન્ડનબર્ગની એક રિપોર્ટના કારણે ગૌતમ અદાણીને 100 અબજ ડોલરના નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરી હિન્ડનબર્ગના નવા સમાચારથી અદાણી ગ્રુપના શેરોમાં તેજી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલમર, અંબુજા સિમેન્ટ, એસીસી અને એનડિટિવી જેવા બધા જ શેરોમાં તેજી જોવા મળી રહી છે.
માર્કેટની સ્થિતિ કેવી છે?
ગુરુવારે શેરબજારમાં મોટા ગેપઅપ સાથે કારોબારની તેજ શરૂઆત થઈ. નિફ્ટી 164 અંકની વધારા સાથે 23377ના લેવલે ખૂલ્યો, જ્યારે સેન્સેક્સ 595 અંકની તેજી સાથે 77319ના લેવલે ખૂલ્યો. બજારમાં હાલ તેજીનો માહોલ છે અને અદાણી ગ્રુપના શેરમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં આ તેજી પાછળ હિન્ડનબર્ગના બંધ થવાનો મોટો હિસ્સો છે. હિન્ડનબર્ગ એ જ કંપની છે જેના કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન થયુ હતું અને તેનાથી ઊભરવામાં કંપનીને સમય લાગ્યો હતો. 24 જાન્યુઆરી 2023ના રોજ હિન્ડનબર્ગએ અદાણી ગ્રુપ સામે રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં અદાણી ગ્રુપને ટૅક્સ હેવનનો ખોટો ઉપયોગ કરીને નફો કમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અદાણી ગ્રૂપએ આ તમામ આરોપોને નકાર્યા હતા.
ગઇકાલે રાત્રે હિન્ડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસનએ તેમની કંપની બંધ કરવાની જાહેરાત કરી, જે બાદ આજે બજાર ખુલતાં જ અદાણીના શેરોમાં ભારે તેજી જોવા મળી રહી છે.
શેરનો હાલનો ભાવ
કંપનીનું નામ | તાજા ભાવ | કેટલો ઉછાળો |
---|---|---|
અદાણી પાવર શેર | 578.95 રૂપિયા | 5.37% |
અદાણી ગ્રીન એનર્જી શેર | 1,092.90 રૂપિયા | 5.59% |
અદાણી પોર્ટ્સ શેર | 1,167.80 રૂપિયા | 3.45% |
અદાણી એનર્જી સોલ્યુશન્સ શેર | 800.35 રૂપિયા | 2.59% |
અદાણી ટોટલ ગેસ શેર | 689.00 રૂપિયા | 4.04% |
અંબુજા સિમેન્ટ્સ શેર | 541.70 રૂપિયા | 4.31% |
ACC લિમિટેડ શેર | 2,041.25 રૂપિયા | 3.64% |
NDTV શેર | 153.60 રૂપિયા | 4.56% |