પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને છેલ્લે રેસલિંગમાં મેડલ મળ્યો છે. અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતતા ઇતિહાસ રચ્યો છે. સેહરાવતએ 57 કિલોગ્રામ વજન કેટેગરીમાં પોતાના પ્રથમ ઓલિમ્પિક ડેબ્યુમાં જ પૃઅર્ટો રિકોના રેસલરને 13-5 થી હરાવી આ સિદ્ધિ મેળવી. આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના કુલ મેડલની સંખ્યા 6 થઈ ગઈ છે, જેમાં 5 બ્રોન્ઝ મેડલ છે.
આ સ્પર્ધાની શરૂઆતમાં પૃઅર્ટો રિકોના રેસલરે અમનને મેટની બહાર કાઢીને 1 પોઈન્ટ મેળવ્યો હતો, પણ અમને તરત જ પાછો વળીને લેગ એટેક માર્યો અને 2 પોઈન્ટ મેળવી લીધા. પ્રથમ પીરિયડ દરમિયાન બંને વચ્ચે તીવ્ર મુકાબલો જોવા મળ્યો. ક્રૂઝે 3-2ની લીડ લીધી, પણ અમને ફરીથી 2 પોઈન્ટ લઈને 4-3ની લીડ મેળવી. બીજા પીરિયડમાં અમને આ લીડને વધારી 6-3 કરી દીધી અને અંતે 13-5થી વિજય પ્રાપ્ત કર્યો.
21 વર્ષના અમન સેહરાવત માટે આ ઓલિમ્પિકનો ડેબ્યુ યાદગાર રહ્યો. તેમણે પ્રથમ બાઉટમાં મેસિડોનિયાના વ્લાદિમીર ઇગોરોવને 10-0થી હારાવ્યા હતા અને ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલમાં પણ અલ્બાનિયાના જેલિમખાન અબાકરોવને 12-0થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમીફાઇનલમાં, વિશ્વના નંબર 1 જાપાનના રેઇ હિગુચિ સામે હાર થઈ હતી, જેણે અમનને 10-0થી હરાવ્યો.
અમનની આ સફળતા ખાસ આથી પણ છે કે 57 કિલોગ્રામ કેટેગરીમાં ભારતે સતત 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં, રવિ દહિયાએ પણ આ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમન અને રવિ બંનેએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં સાથે તાલીમ લીધી હતી, અને અમન રવિને પોતાનો ગુરૂ માનતા હતા. આ વખતે, અમને નેશનલ ટ્રાયલમાં રવિ દહિયાને હરાવીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યું હતું.