જયપુર: 'અતિથિ દેવો ભવ:' માનતા ભારત માટે એક શરમજનક ઘટના બની છે. જયપુરના પ્રખ્યાત જ્વેલરી બજાર શરાફ માર્કેટમાં એક વિદેશી મહિલા સાથે મોટી છેતરપીંડીનો કિસ્સો બહાર આવ્યો છે. અમેરિકાની ચેરીશ નામની મહિલા સાથે જ્વેલરી વેચનાર પિતા-પુત્રની જોડીએ 300 રૂપિયાની નકલી ડાયમંડ જ્વેલરી 6 કરોડ રૂપિયામાં વેચી દીધી.
મામલાનો ખુલાસો કેવી રીતે થયો?
આ કેસની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ. જયપુરના ગોપાલજી કા રસ્તા પર સ્થિત દુકાન રામા રોડિયમમાંથી ચેરીશે 6 કરોડ રૂપિયાની જ્વેલરી ખરીદી હતી. ચેરીશ આ ઘરેણાંને યુએસમાં લઈ ગઈ અને એક પ્રદર્શનમાં સ્ટોલ લગાવ્યો. ત્યાં તેને ખબર પડી કે તેના ઘરેણાં નકલી છે. ચેરીશ ચોંકી ગઈ અને તુરંત જયપુર પાછી આવી.
ફરિયાદ અને તપાસ
ચેરીશે નકલી ઘરેણાં વિશે જાણ કરીને, 18 મેના રોજ માણક ચોક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. જ્વેલર્સ રાજેન્દ્ર સોની અને ગૌરવ સોની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. જ્વેલર્સે પણ વિદેશી મહિલા સામે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસ તપાસમાં સાબિત થયું કે દાગીના નકલી હતા. 300 રૂપિયાના પથ્થરને પોલિશ કરીને તેને કિંમતી હીરા તરીકે વેચવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ શરાફ માર્કેટની પ્રતિષ્ઠા દાવ પર આવી ગઈ છે. અન્ય જ્વેલર્સમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ કિસ્સાએ પર્યટકો અને વિદેશી ગ્રાહકોમાં ભરોસો અને વિશ્વાસનો પ્રશ્ન ઉભો કર્યો છે.