બુધવારે મોડી સાંજે ગાંધીનગરમાંથી મોટી ખબર આવી કે 18 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી થઈ ગઈ. આ બદલીઓમાં મોટા ભાગના સિનિયર અધિકારીઓ છે. કેટલાકને સારી જગ્યા મળી છે તો કેટલાકને નબળી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. આ બધામાં પાંચ અધિકારીઓની નિમણૂંક પર ખાસ ધ્યાન ગયું છે. એ સમયના પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ અધિકારીઓનું ફરી કમબેક થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે હવે અધિકારીઓ પર કોઈના ખાસ હોવાનો ટેગ નથી. સાથે જ પૂર્વ આઈએએસ કે. કૈલાસનાથનનો પ્રભાવ પણ વહીવટી તંત્ર પરથી ઓછો થાય તેવું લાગી રહ્યું છે.
આ બદલીઓથી ઘણા સમીકરણો બદલાઈ ગયા છે. ખાસ કરીને પાંચ અધિકારીઓની નિમણૂંક પર બધા નું ધ્યાન છે. મનોજ કુમાર દાસને 3 વર્ષ બાદ ફરી મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશ મળ્યો છે અને જયંતી રવિને રેવન્યુ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે હવે તેમના પર વિજય રૂપાણીનો ટેગ નથી. એ જ રીતે, મનોજ કુમાર દાસ, જેઓ રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા, તેમનું પણ કમબેક થયું છે. ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી બન્યા બાદ રૂપાણીના તમામ નજીકના અધિકારીઓની બદલી થઈ હતી, જેમાં દાસ પણ હતા. પરંતુ 'દાદા'ની સરકારને બે વર્ષ થયા, ત્યારે એમ.કે. દાસ અને અશ્વિની કુમારનો વનવાસ પૂર્ણ થયો અને તેઓ સારા વિભાગોમાં પાછા આવ્યા.
મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, જેને KK તરીકે ઓળખવામાં આવે છે, ગત મહિને વિદાય લઈ ચુક્યા છે. સચિવાલય અને સરકારમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આ 18 IAS અધિકારીઓની બદલીઓમાં જોવા મળી છે. KKની વિદાય પછી પંકજ જોશીને મુખ્ય મહત્વ મળ્યું છે. પંકજ જોશીને KKની ચેમ્બર ફાળવી દેવામાં આવી છે અને KKના પૂર્વ ખાતાઓ પણ તેમના હવાલે કરાયા છે.
સુનયના તોમરને ACS ઊચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, અંજુ શર્માને ACS એગ્રીકલ્ચર, મમતા વર્માને ACS ઇન્ડસ્ટ્રીઝ અને એસ.જે. હૈદરને ACS ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તરીકે મુકવામાં આવ્યા છે.
વિજય રૂપાણીના ખાસ અધિકારી મનોજ કુમાર દાસને 3 વર્ષ બાદ ફરી મુખ્યમંત્રીના ACS અને ગૃહ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. જયંતી રવિને રેવન્યુ વિભાગના ACS તરીકે નિમણૂંક આપવામાં આવી છે. અશ્વિની કુમારને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. આનો અર્થ એ થાય છે કે અધિકારીઓએ મહેનત કરીને દાદાની નજરમાં સાબિત કર્યું છે કે હવે તેઓ રૂપાણીના માણસો નથી, પણ હાલની સરકારના વફાદાર સૈનિકો છે.
હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર સંપૂર્ણપણે વહીવટ પોતાના હાથમાં રાખીને ગુજરાતના વિકાસ પર ફોકસ કરી રહી છે. આ બદલીઓ દ્વારા અધિકારીઓ અને વહીવટી તંત્રને સંદેશો અપાયો છે કે હવે કોઈના ખાસ હોવા માત્રથી નહીં, પરંતુ કામ કરવાથી જ ટકી શકાશે.