Kangana Ranaut: બૉલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા ગેરવર્તન થયાની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ચેક ઈન બાદ કંગના બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે CISF યુનિટની LCT કુલવિંદર કૌરે કંગનાને લાફો મારી દીધો.
કુલવિંદર કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે. હવે આ મામલે નવો ખુલાસો થયો છે. લાફો મારનારી CISF જવાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહેતી જોવા મળે છે કે, "કંગના રનૌતના ખેડૂત આંદોલન વિશેના જૂના નિવેદનોને કારણે હું નારાજ હતી."
આ વીડિયો ક્લિપમાં CISFની મહિલા જવાને કહ્યું, "કંગનાએ કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં 100-100 રૂપિયામાં મહિલાઓ બેસતી હતી. ત્યાં મારી મા પણ હતી."
કંગના રનૌતે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું, "હું સુરક્ષિત છું. ચંદીગઢ એરપોર્ટ પર સિક્યુરિટી ચેક બાદ આગળ વધતી વખતે CISF મહિલા કર્મચારી મારી પાસે આવી અને મને લાફો મારીને ગાળો આપી. મેં પૂછ્યું કે તેમણે આવું શા માટે કર્યું, ત્યારે તેમણે કહ્યું કે તે ખેડૂત આંદોલનને સપોર્ટ કરે છે."
કંગનાએ કહ્યું, "ખેડૂત આંદોલન અને પંજાબમાં પ્રોત્સાહન પામતા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવું તે મહત્વપૂર્ણ છે."
કેસની વધુ તપાસ ચાલી રહી છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી આશા છે.