Lok Sabha Elections Result: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે અને ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ બનશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અહેવાલો મુજબ પીએમ મોદી 9 જૂને શપથ લેશે. આ કારણે 5થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે.
મોદીની ત્રીજી ઐતિહાસિક જીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAની ત્રીજી જીતને ઐતિહાસિક ગણાવી છે અને દેશની જનતાનો આભાર માન્યો છે. મોદીએ કહ્યું કે ગઠબંધન હવે નવી તાકાતથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કામ કરશે.
જનતાનો આભાર
મોદીએ મંગળવારે સાંજે એક્સ પર પોસ્ટ કરીને 18મી લોકસભાના પરિણામો માટે દેશની જનતાનો આભાર માન્યો. તેમણે લખ્યું, 'જનતાએ સતત ત્રીજી વખત NDA પર વિશ્વાસ મૂક્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે નવી ઊર્જા અને ઉંમગ સાથે આગળ વધીશું. તમામ કાર્યકર્તાઓનો દિલથી આભાર.'
NDAને 292, વિપક્ષને 233 બેઠકો
ચૂંટણીના વલણો મુજબ, NDAને 292 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે વિપક્ષ 'ઈન્ડિયા ગઠબંધન' 233 બેઠકો પર આગળ છે. ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહી નથી, પરંતુ તેને 543માંથી 240 બેઠકો મળી છે.