ગુજરાતમાં દારૂબંધીના દાવાઓને પોકળ સાબિત કરતાં એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના નેતા અને પોલીસ અધિકારી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી ચિઠોડા પોલીસે આની ધરપકડ કરી છે.
ભાજપના નેતા જયેશ ભાવસાર અને અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઇ. પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ સાથે વિદેશી દારૂના 893 બોટલ મળી છે. આ જથ્થાની કિંમત અંદાજે 1,96,490 રૂપિયા છે. આ ઉપરાંત, જથ્થો વહન કરવામાં આવેલી ગાડી, જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા છે, અને અન્ય મુદ્દામાલ મળી કુલ 7,12,490 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ભાજપના નેતા જયેશ ભાવસાર ભૂતકાળમાં અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ હતા અને તેઓએ અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીમાં (DRUCC) ભાજપના પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકીની ભલામણથી નીમણુંક મેળવેલી હતી.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૂ રાજસ્થાનના પહાડાથી ભરીને આવ્યો હતો અને તે અમદાવાદના સરદારનગર સ્થિત ટાઉનશિપ સિટીના ભગવતીનગરમાં રહેતા કિશોર કનૈયાલાલ વંજાનીને પહોંચાડવાનું હતું.
આ ઘટનામાં આરોપી પ્રવીણકુમાર ચૌહાણ, જયેશ ભાવસાર અને અન્ય કેટલાક લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.