
Desco Infratech Ltd IPO : આજે, 24 માર્ચ 2025, સોમવારના રોજ Desco Infratech Ltdનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે અને તે પહેલા જ દિવસે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આજે, 24 માર્ચ 2025, સોમવારના રોજ Desco Infratech Ltdનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે અને તે પહેલા જ દિવસે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ IPOમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ, બુધવાર છે. કંપનીએ આ IPOની પ્રાઈસ બેન્ડ 147 રૂપિયાથી 150 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ખાસ વાત એ છે કે ખુલ્યાના થોડા જ કલાકોમાં NII (નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ) ભાગ સંપૂર્ણ રીતે બુક થઈ ગયો, જે દર્શાવે છે કે રોકાણકારોમાં આ શેર પ્રત્યે ખૂબ રસ છે.
આ IPO અત્યાર સુધીમાં 1.54 ગણો સબસ્ક્રાઈબ થયો છે. રિટેલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 67 ટકા ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં આ શેર 16 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે લગભગ 11 ટકાનો નફો સૂચવે છે. આ શેર BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટ થવાના છે, જે રોકાણકારો માટે વધુ એક આકર્ષણનું કારણ છે.
ડેસ્કો ઈન્ફ્રાટેકના આ IPOમાં 20,50,000 નવા ઈક્વિટી શેરનો સમાવેશ છે, જેની કુલ કિંમત 30.75 કરોડ રૂપિયા છે. આમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) નથી. રોકાણકારો ઓછામાં ઓછા 1,000 શેર માટે અરજી કરી શકે છે અને ત્યારબાદ 1,000ના ગુણાંકમાં વધુ બિડ કરી શકે છે.
કંપની આ IPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ અનેક હેતુઓ માટે કરશે. આમાં ગુજરાતના સુરતમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે મૂડી ખર્ચ, નવી મશીનરી ખરીદવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે ઉપયોગ થશે.
જાન્યુઆરી 2011માં સ્થપાયેલી ડેસ્કો ઈન્ફ્રાટેક લિમિટેડ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે એન્જિનિયરિંગ, પ્લાનિંગ અને બાંધકામ પર ધ્યાન આપે છે. આ કંપની શહેરી ગેસ વિતરણ, નવીનીકરણીય ઉર્જા, પાણી અને વીજળી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. તેની મજબૂત પકડને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.
આ IPO માટે સ્માર્ટ હોરાઈઝન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે કામ કરે છે. રિખાવ સિક્યોરિટીઝ લિમિટેડને માર્કેટ મેકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.