નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024ની રજૂઆત કરી, જેમાં PM આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) માટે મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
3 કરોડ નવા મકાનો બનાવાશે
નાણામંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ યોજનાના ભાગરૂપે ગરીબ પરિવારો માટે મકાન બનાવવામાં સરકાર સહાય કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
PM આવાસ વિકાસ યોજના (PMAY) વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ લોકોને સસ્તું ઘર પૂરું પાડવાનો છે. આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મળે છે.
સરકારી સહાય અને મકાન બનાવવાની યોજનાઓ
PMAY હેઠળ, ગત 10 વર્ષમાં 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓને મકાન બનાવવામાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. PMAY બે ભાગમાં વહેંચાયેલ છે - PMAY ગ્રામીણ (PMAY-G) અને PMAY શહેરી (PMAY-U).
ઓછી વ્યાજદરે હોમ લોન
આ યોજના હેઠળ, સરકાર હોમ લોન પર સબસિડી આપે છે. સબસિડીની રકમ ઘરની સાઇઝ અને આવક પર આધારિત છે. આ યોજનાનો લાભ લેવા માટે 20 વર્ષ સુધીના રિપેમેન્ટ પીરિયડ સાથે લોન મળી શકે છે.
કેવી રીતે લાભ મેળવો?
જો તમારું પોતાનું પાક્કુ મકાન નથી અને તમે PMAYની યોગ્યતાની આવશ્યકતાઓ પૂર્ણ કરો છો, તો તમે આ યોજનામાં અરજી કરી શકો છો. PMAY યોજના અંતર્ગત, જેઓ જમીન ધરાવે છે અને ઘર બનાવવા માંગે છે તેમને આર્થિક સહાય મળે છે.