ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તાજેતરમાં એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. TRAIએ 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન (TCPR) 2012'ના સમીક્ષા માટે હિતધારકો પાસેથી મંતવ્યો માંગ્યા છે. આ પેપર સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વોઈસ અને SMS પેક પર વલણ
TRAIએ વોઈસ અને SMS પેકને ફરીથી લાવવા અંગે સ્ટેકહોલ્ડર્સ પાસેથી મંતવ્યો માગ્યા છે. હાલમાં, મોટાભાગના રિચાર્જ પ્લાન ડેટા પર આધારિત છે. એટલે કે, યુઝરને ડેટા જરૂરી હોય કે ન હોય, તે પ્લાન ખરીદવો જ પડે છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં મંગ કરી રહ્યા છે કે કૉલિંગ માટે વિશિષ્ટ પ્લાન પણ હોવું જોઈએ, કારણ કે ભારતમાં ઘણા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી.
TRAIના મંતવ્યો
TRAIએ ટેલિકોમ કંપનીઓને ફક્ત કૉલિંગ અને SMS માટે પ્લાન લાવવાનો વિચાર મૂક્યો છે. TRAIએ કહ્યું છે કે મોટાભાગના બંડલ પ્લાનમાં વૉઇસ, ડેટા, SMS અને OTT સેવાઓનો સમાવેશ થાય છે, જે દરેક ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી.
કલર કોડિંગ પ્રસ્તાવ
TRAIએ ટેલિકોમ ઓપરેટરોને વાઉચરનું કલર કોડિંગ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પહેલાં ટેલિકોમ કંપનીઓ ટોપ-અપ, કોમ્બો અને અન્ય પ્લાનને અલગ-અલગ કલરમાં રજૂ કરતી હતી. ઉદાહરણ તરીકે, ટોપ-અપ્સ લીલા રંગમાં અને કોમ્બો પેક માટે વાદળી રંગનો ઉપયોગ કરતો હતો. TRAIએ પૂછ્યું છે કે શું ડિજિટલ માધ્યમમાં કલર કોડિંગ યોગ્ય હશે.
મંતવ્યો માટે સમયમર્યાદા
TRAIએ 16 ઓગસ્ટ 2024 સુધીમાં સ્ટેકહોલ્ડર્સ પાસેથી કન્સલ્ટેશન પેપર પર મંતવ્યો માગ્યા છે અને 23 ઓગસ્ટ 2024 સુધીમાં પ્રતિસાદ આપી શકાય છે. TRAIના કન્સલ્ટેશન પેપરનો હેતુ છે કે તમામ હિતધારકોના મંતવ્યો મેળવી શકાય અને તેના આધારે નિર્ણય લેવામાં આવે.
શું બદલાવ આવી શકે?
જો ટેલિકોમ કંપનીઓ ફક્ત કૉલિંગ અને SMS પ્લાન લાવશે, તો એ પ્લાન સસ્તા હશે. અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને SMS સાથે મર્યાદિત ડેટાવાળા પ્લાન પણ આવી શકે છે, જેની કિંમત ડેટા વાળા પ્લાન કરતાં ઓછી હશે.