વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ, નોકરીના બહાને 9.59 લાખની છેતરપિંડી

valsad fake Deputy Mamlatdar

Valsad News: ગુજરાતમાં સતત નકલી અધિકારીઓના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર બનેલી 23 વર્ષીય યુવતીને પોલીસે ઝડપીને લાખો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

આ આરોપી યુવતીની ઓળખ નિમિષા નાયકા તરીકે થઈ છે. તેણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે અને મૂળ વલસાડના અમબાચ ગામની રહેવાસી છે. તેણે પોતાને અધિકારી તરીકે ઓળખાવતું નકલી આઈ-કાર્ડ રાખી અને વોટ્સએપના માધ્યમથી યુવાનોથી સંપર્ક કર્યો.

યુવાનોએ જણાવ્યું કે નિમિષાએ તેમને કલેક્ટર ઓફિસ, ડ્રાઈવર તથા અન્ય સરકારી પોસ્ટ માટે નોકરીની લાલચ આપી હતી. ઉદવાડાના માનવ પટેલ પાસેથી 4.75 લાખ, કપરાડાના ગુંજેશ પટેલ પાસેથી 39 હજાર, બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી 4.13 લાખ અને પારડીના મિલન પટેલ પાસેથી 31,800 રૂપિયા ઉઘરાવ્યા હતા.

જ્યારે યોગ્ય સમયે નોકરી ન મળતા તેમને શંકા જાગી અને અંતે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તરત જ કાર્યવાહી કરી અને નકલી ડેપ્યુટી મામલતદાર યુવતીની ધરપકડ કરી.

અત્યારે આરોપી સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કેસ ફરી એકવાર દર્શાવે છે કે સરકારી નોકરીના નામે ફ્રોડ કેવી રીતે વધી રહ્યો છે અને નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.