ગુજરાતમાં ખેડૂતો વારંવાર ખેતીના પાકના ઓછા ભાવને કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે. હાલ ટામેટાની સિઝન ચાલી રહી છે, પરંતુ ટામેટાના ભાવ ઉંધા જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ટામેટાની મોટા પાયે ખેતી થવા છતાં, બજારમાં ઓછા ભાવ મળતા ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થયું છે.
ખેડૂતોના ખર્ચ સામે મળતો નથી યોગ્ય વળતર
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથળી રોડ પર અનેક ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું છે. અહીં એક વીઘામાં 500 થી 600 મણ ટામેટાનું ઉત્પાદન થાય છે, પણ બજારમાં ટામેટાને માત્ર 4 થી 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો કહે છે કે આ ભાવમાં તો ઉત્પાદન પાછળનો પણ ખર્ચ પણ નહીં વસૂલાય.
ટામેટાના પાક પાછળ ખેડૂતોનો ભારે ખર્ચ થાય છે. એક વિઘાના ખેતરમાં ખેડૂતને:
ટ્રેક્ટરનો ખર્ચ: રૂ. 4000
મલ્ચિંગ અને મર્ચિંગનો ખર્ચ: રૂ. 5000
છાણીયા ખાતર: રૂ. 6000
રાસાયણિક ખાતર: રૂ. 7000
વાંસ અને તાર લગાવવાનો ખર્ચ: રૂ. 18,000 થી 20,000
આ ઉપરાંત, પેકિંગ માટે લાકડાના ખોખા અને પરિવહન ખર્ચ પણ થાય છે. આમ, એક વિઘામાં ખેડૂતનો કુલ ખર્ચ 1 થી 1.25 લાખ રૂપિયાનો થાય છે, જ્યારે બજારમાં ટામેટા વેચવા જતા 80 થી 100 રૂપિયા મણનો ભાવ મળતો હોવાથી આ ખર્ચ પણ વસૂલાતો નથી.
ટામેટાના ઓછા ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં
તાજા ભાવે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કેટલાક ખેડૂતો તો નિરાશ થઇ પોતાના ટામેટા પશુઓને ખવડાવી દેવા મજબૂર બની રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ટામેટાના યોગ્ય ભાવ નક્કી કરે અને ખેડૂતોને ન્યાય મળે. રાજ્ય સરકારે જો સહાય ન આપે, તો ટામેટાની ખેતી કરનારા ખેડૂતોને આગામી સિઝનમાં મોટું નુકસાન થઈ શકે છે.
સરકારને સહાય માટે ખેડૂતની અપેક્ષા
ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ઓછા ભાવનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ મુજબ ટામેટા ખરીદવા કોઈ યોજના બને, તો ખેડૂતોને સહાય મળી શકે. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે, તો ટામેટાના ખેડૂતની હાલત વધુ કફોડી બનવાની સંભાવના છે.