શનિવાર, 1 જૂન, 2024: વિશ્વના ટોપના અબજોપતિઓની યાદીમાં શનિવારે મોટા ફેરફારો થયા છે, જેના પરિણામે ભારતીય અબજોપતિઓની રેન્કિંગમાં મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને નેટવર્થના મામલે પાછળ છોડી દીધા છે. અદાણીની કંપનીઓના શેરબજારમાં આક્રમક ઉછાળા પછી તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે અને તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
ગૌતમ અદાણી બન્યા વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ
ગૌતમ અદાણીની સંપત્તિમાં તાજેતરના ઉછાળાને કારણે હવે તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 111 બિલિયન ડોલર પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે $109 બિલિયન છે, જેના પરિણામે તેઓ 12મા સ્થાને આવી ગયા છે.
24 કલાકમાં 45000 કરોડ રૂપિયાની કમાણી
છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.45 બિલિયન ડોલર અથવા લગભગ 45,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ અચાનક વધારા પછી અદાણી 12મા સ્થાનેથી 11મા સ્થાને પહોંચી ગયા છે. વર્ષ 2024માં, ગૌતમ અદાણી સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં 1 જાન્યુઆરી, 2024 થી અત્યાર સુધીમાં 26.8 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 12.7 અબજ ડોલરનો વધારો થયો છે.
16 મહિના પછી ફરી ટોચ પર
વર્ષ 2023 ગૌતમ અદાણી માટે કઠણ સાબિત થયું હતું. 24 જાન્યુઆરી, 2023ના રોજ, અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યા પછી અદાણીના શેરમાં મોટી ગરાકાટ થઇ હતી, જેનાથી તેઓ ટોપ-3માંથી નીચા આવી ગયા હતા અને ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. હવે 16 મહિના પછી, ગૌતમ અદાણી ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
અદાણીના શેરમાં જોરદાર ઉછાળો
શુક્રવારે, શેરબજારમાં અદાણી જૂથની કંપનીઓના શેરમાં 14 ટકા સુધીનો વધારો જોવા મળ્યો. સૌથી મોટો ઉછાળો અદાણી પાવર સ્ટોકમાં 14 ટકા સુધી થયો, પછી 9 ટકા વધીને રૂ. 759.80 પર બંધ થયો. અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અન્ય ઘણા શેરોમાં પણ મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો.
અદાણીના શેરની વર્તમાન સ્થિતિ
- અદાણી પાવર: 14% વધીને 9% પર બંધ, રૂ. 759.80.
- અદાણી ટોટલ ગેસ: 9% વધીને રૂ. 1,044.50.
- અદાણી એન્ટરપ્રાઇઝ: 7% વધીને રૂ. 3416.75.
- અદાણી પોર્ટ્સ: 4% વધીને રૂ. 1,440.
- અદાણી વિલ્મર: 3% વધીને રૂ. 354.90.
- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ: 2% થી 8% સુધી વધારો.
- અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ: 2%થી વધુ વધારો.