
Government increased gas cylinder price: ભારત સરકારે લગભગ એક વર્ષના ગાળા બાદ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.
ભારત સરકારે લગભગ એક વર્ષના ગાળા બાદ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલાં છેલ્લે 9 માર્ચ, 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે સરકારે 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાસ વાત એ છે કે જુલાઈ 2022 પછી પહેલીવાર ઘરેલું ગેસના ભાવમાં વધારો થયો છે. આ નિર્ણયથી ગૃહિણીઓ અને સામાન્ય લોકોના બજેટ પર અસર પડવાની શક્યતા છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થશે. તેવી જ રીતે, કોલકાતામાં ભાવ 829 રૂપિયાથી વધીને 879 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયાથી 853.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયાથી 868.50 રૂપિયા થશે. આ નવા દર મંગળવારથી લાગુ થઈ જશે. આ ઉપરાંત, ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડરની કિંમતમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે, જે હવે 500 રૂપિયાને બદલે 550 રૂપિયામાં મળશે.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ, 2024ના રોજ ફેરફાર થયો હતો, જ્યારે 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલાં 30 ઓગસ્ટ, 2023ના રોજ સરકારે 200 રૂપિયાની મોટી રાહત આપી હતી, જેનાથી ભાવ 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થયા હતા. જોકે, હવે એક વર્ષના ગાળા બાદ ફરીથી ભાવમાં વધારો થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ પહેલાં માર્ચ 2023માં ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો, જેનાથી કિંમત 1053 રૂપિયાથી વધીને 1103 રૂપિયા થઈ હતી. જૂન 2021થી માર્ચ 2023 સુધીના સમયગાળામાં ગેસના ભાવમાં 10 વખત વધારો થયો હતો, જેમાં કુલ 294 રૂપિયાનો વધારો નોંધાયો હતો. હવે ફરીથી ભાવમાં થયેલા આ વધારાથી ગ્રાહકો પર આર્થિક બોજ વધશે.
સરકારે ગેસના ભાવમાં વધારો કર્યો હોવા છતાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો સંકેત આપ્યો છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જે લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે.