
GSRTC દ્વારા ST બસ ભાડામાં 10% વધારો, અમદાવાદ-સુરત, અમદાવાદ-વડોદરા સહિતના રૂટ પર ભાડું મોંઘું. જાણો નવા ભાડા અને મુસાફરો પર અસર.
ગુજરાતમાં મુસાફરો માટે વધુ એક ઝટકો આવ્યો છે. GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા રાજ્યમાં ST બસ ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી વચ્ચે આ વધારાને કારણે દૈનિક મુસાફરી કરનારા લોકોના ખિસ્સા પર વધુ બોજ પડશે. નવા ભાડા ગઇકાલે મધરાત્રિથી લાગૂ થઈ ગયા છે, જેનાથી રાજ્યના અંદાજે 27 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે.
GSRTC દ્વારા કરવામાં આવેલા ટિકિટ ભાવના વધારા પ્રમાણે સ્થાનિક (લોકલ) સેવા માટે 48 કિમી સુધી મુસાફરી કરતા મુસાફરોને ₹1થી ₹4 સુધી વધારે રૂપિયા ચૂકવવા પડશે.
જો મોટા શહેરો વચ્ચે મુસાફરીની વાત કરીએ, તો મુખ્ય રૂટ્સ પરના નવા ભાડા આ પ્રમાણે છે:
માર્ગ | જૂનું ભાડું | નવું ભાડું |
---|---|---|
અમદાવાદ-સુરત | ₹194 | ₹213 |
અમદાવાદ-વડોદરા | ₹114 | ₹125 |
અમદાવાદ-રાજકોટ | ₹171 | ₹188 |
અમદાવાદ-જામનગર | ₹216 | ₹238 |
આ વધારો સામાન્ય જનતાને વધુ પડતો ભારે પડશે, ખાસ કરીને તે લોકો માટે કે જે રોજ ST બસ દ્વારા મુસાફરી કરે છે. GSRTCનું કહેવું છે કે ઈંધણના વધતા દર અને અન્ય ખર્ચને કારણે ભાડાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, મુસાફરો આ વધારા અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે બસ સુવિધાઓ સુધરવી જોઈએ, જ્યારે કેટલાક મુસાફરો માટે આ વધારાને કારણે રોજિંદી મુસાફરી વધુ મોંઘી બની જશે.
આ ભાડા વધારો હજી કેટલો સમય યથાવત્ રહેશે, તે GSRTCના આગામી નિર્ણય પર આધાર રાખશે.