પંચાયત-પાલિકા ચૂંટણીના પરિણામ પછી થશે સત્તાવાર જાહેરાત
ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નવી નિયુક્તિને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હાલમાં ભાજપના હાઈકમાન્ડ દ્વારા નવા પ્રમુખની પસંદગી માટે મથામણ ચાલી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ આ નિર્ણયમાં કોઈ અવરોધ ન આવે તે માટે સાવચેતીથી આગળ વધી રહ્યું છે.
પક્ષના અંદરના સૂત્રો મુજબ, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કોઈ ઓબીસી નેતાને પસંદ કરવાની શક્યતા છે. હાલની સ્થિતિમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જયારે હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દક્ષિણ ગુજરાતથી આવે છે. તેથી સમીકરણો પ્રમાણે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના નેતાને જવાબદારી સોંપવા પર હાઈકમાન્ડ વિચારણા કરી રહ્યું છે.
કોના નામ ચાલી રહ્યાં છે ચર્ચામાં?
નવા પ્રદેશ પ્રમુખ માટે અગાઉ અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા જેવા દિગ્ગજ નેતાઓના નામો પણ સામેલ હતા. હાલમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. જોકે, ભાજપની પરંપરા રહી છે કે જે નામો સૌથી વધુ ચર્ચાય છે, તે અંતિમ પસંદગીમાં ભાગ્યે જ આવતાં હોય છે.
પક્ષની આંતરિક દૃષ્ટિએ જોવામાં આવે તો નવા પ્રમુખ તરીકે એવા નેતાની પસંદગી કરવામાં આવશે જે સંગઠનને મજબૂત બનાવી શકે, કાર્યકરોમાં લોકપ્રિય હોય અને સરકાર સાથે સુમેળ જાળવી શકે.
હાઈકમાન્ડની અંતિમ મંજૂરી માટે રાહ
હાલની સ્થિતિમાં ગુજરાત ભાજપના હાઈકમાન્ડે નવા પ્રમુખ માટે નામ લગભગ નક્કી કરી દીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે. સંભાવના છે કે 16 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી અને તેના પરિણામ પછી નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ભાજપની આંતરિક સમીકરણોનો પરિપ્રેક્ષ્ય
ગુજરાત ભાજપમાં હંમેશા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે સામંજસ્ય હોવું જરૂરી ગણાય છે. જો બંને વચ્ચે તણાવ સર્જાય તો સંગઠન અને સરકાર બન્ને માટે ખતરો બની શકે છે. ભાજપનું હંમેશા ધ્યાન રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ એવા નેતાને બનાવવામાં આવે જે રાજકીય રીતે સશક્ત હોવા સાથે સંગઠનને પણ મજબૂત કરી શકે.
આ તમામ પરિપ્રેક્ષ્યોને જોતા, હાઈકમાન્ડ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કોઈ પક્વ અને અનુભવી ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.