ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષામાં 14,28,175 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આમાં ધોરણ 10ના 8,92,882, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,23,909, અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,11,384 વિદ્યાર્થીઓ સામેલ છે. રાજ્યભરના 16,661 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા
રાજ્યમાં પરીક્ષાઓની સુચારૂ વ્યવસ્થા માટે 68 ફ્લાઈંગ સ્કવોડ ગોઠવાયા છે. બોર્ડ દ્વારા રાજ્યની 5,222 સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર 80,000થી વધુ અધિકારીઓ અને સ્ટાફ પરીક્ષા વ્યવસ્થાને સરળ બનાવશે. બોર્ડ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જે 24x7 કાર્ય કરશે.
શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામનાઓ
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને ઉપદેશ આપ્યો કે, "પરીક્ષાને ટેન્શન ન માનો, તે એક ઉત્સવ સમાન છે. શ્રેષ્ઠ પ્રયાસ કરો અને શ્રેષ્ઠ પરિણામ મેળવો."
પરીક્ષાના નિયમો અને સુરક્ષા
- પરીક્ષા કેન્દ્ર પર જમાવટ: બોર્ડે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે અધિકારી અને સ્ટાફ સિવાય અન્ય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- ઝેરોક્સ દુકાનો બંધ: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા પરીક્ષા કેન્દ્રોની આસપાસની ઝેરોક્સની દુકાનો બંધ રહેશે.
- સીસીટીવી મોનિટરિંગ: પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં જ સીસીટીવીની હાજરીમાં સીલ ખોલવામાં આવશે.
- વિદ્યાર્થીઓ માટે નવો નિયમ: દરેક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર પર ફરજિયાત બેઠક ક્રમાંક લખવો પડશે, નહીંતર ખંડ નિરીક્ષક સામે કાર્યવાહી થશે.
રેગ્યુલર અને રીપિટર વિદ્યાર્થીઓની સંખ્યા
ધોરણ 10 (SSC) માટે 7,62,495 રેગ્યુલર અને 82,132 રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,64,859 રેગ્યુલર અને 22,652 રીપિટર, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 રેગ્યુલર અને 10,476 રીપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, કુલ 12,28,167 રેગ્યુલર અને 1,15,260 રીપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા વ્યવસ્થાને લઈને બોર્ડ સજ્જ
ગુજરાત બોર્ડ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગેરરીતિ અટકાવવા ફ્લાઈંગ સ્કવોડ, સીસીટીવી મોનિટરિંગ, અને વિશેષ નિરીક્ષણ ટીમો તહેનાત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. સૌ વિદ્યાર્થીઓને Best Of Luck
Gujarat Board Exam Board Exam 2025 Gujarat Education Board GSEB Gujarat Secondary and Higher Secondary Education Board