અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન કોર્સ શરૂ કરવાની જાહેરાતો ફિયાસ્કો સાબિત થઈ છે. 6 ઓનલાઇન કોર્સ શરૂ કરવાની જાહેરાતો કરવા છતાં, આ કોર્સ આજ સુધી માત્ર કાગળ પર જ રહ્યા છે. નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી કોઇ પણ કોર્સ શરૂ કરવામાં આવ્યો નથી.
પાછલા બે વર્ષથી, ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.એ, બી.કોમ અને બી.એસ.સી સહિતના 6 કોર્સ ઓનલાઇન શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ જાહેરાતો માત્ર સત્તાધિશોની વાહવાહીની જ મર્યાદામાં રહી છે. ગયા વર્ષે પૂર્વ કુલપતિ દ્વારા આ કોર્સ શરૂ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર ભાષણોમાં જ પુરતું રહ્યું. નવા કુલપતિની વરણી બાદ પણ કોઈ ફેરફાર આવ્યો નથી.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધુરું
ઓનલાઇન કોર્સની જાહેરાત બાદ અનેક વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ આ કોર્સ ન શરૂ થતા તેઓ ઓફલાઈન અભ્યાસમાંથી પણ વંચિત રહી ગયા છે. UGCની મંજૂરી ન મળવાથી, ઓનલાઈન કોર્સ શરુ થવાની વાતો ફક્ત જાહેરાતો સુધી જ સીમિત રહી ગઈ છે.
NSUIએ આ મામલે ગુજરાત યુનિવર્સિટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એમનું કહેવું છે કે સત્તાધીશોએ ફક્ત કરારદારોને ફાયદો પહોંચાડવા માટે આ જાહેરાતો કરી હતી, પરંતુ તેમા ભાગ બટાઈ ન થતાં કોર્સ શરૂ થયા નથી. NSUI દ્વારા તાત્કાલિક ઓનલાઈન કોર્સ શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે.
વિકાસના દાવાઓ ખોટા સાબિત
વિદ્યાર્થીઓ માટે વિશ્વસ્તરીય પોર્ટલ બનાવવા જેવી જાહેરાતો પણ હજી કાગળ પર જ છે. ફક્ત વાહવાહીને લીધે કરેલી આ જાહેરાતોનું ભાંડો ફૂટતા, યુનિવર્સિટીના વહીવટી દાવાઓની હકીકત બપોરના તડકામાં આવી ગઈ છે.