વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી મળતા ભારે ચકચાર મચી છે. આ મામલો સામે આવતાં જ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તાકીદે હરકતમાં આવી અને રાજસ્થાનના ડીગ જિલ્લાથી બે યુવકોની ધરપકડ કરી. હાલ, બંનેની સઘન પૂછપરછ ચાલી રહી છે, અને એવું કહેવાય છે કે આ બંને આરોપીઓ સાયબર ફ્રોડમાં પણ સંડોવાયેલા છે.
ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદીને ધમકી આપવામાં આવી હતી, જેના આધારે IBની ત્રણ સભ્યોની ટીમે ડીગ જિલ્લામાં દરોડા પાડી આ બે યુવકોને પકડી પાડ્યા. ધરપકડ બાદ તેમને પહાડી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી.
આ આરોપીઓના નામ રાહુલ મેવ અને શાકિર મેવ તરીકે જાહેર થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને યુવકો સાયબર ફ્રોડમાં પણ સંડોવાયેલા છે. PM મોદીને મળેલી ધમકી બાદ તપાસ એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ.
IBએ કઈ રીતે આ વ્યક્તિઓને પકડ્યા?
IBએ જણાવ્યું કે, જે વ્યક્તિએ PMને ધમકી આપી હતી, તેણે રાજસ્થાનના દહાના ગામમાં પોતાના ફોન દ્વારા અન્ય વ્યક્તિનો પણ સંપર્ક કર્યો હતો. આ માહિતી મળતા જ IBની ટીમે દહાણા ગામમાં દરોડો પાડી આ બંને યુવકોની ધરપકડ કરી. આ કામગીરી દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પણ IB સાથે હાજર હતી.