
IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.
IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે હૈદરાબાદ 26 મેના રોજ ખિતાબી જંગમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો સામનો કરશે.
ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલ આ નોક આઉટ મુકાબલામાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 175 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાન રોયલ્સ 139 રન જ બનાવી શકી અને ટાર્ગેટ સુધી પહોંચી ન શકી.
સનરાઇઝર્સ હૈદરાબાદની જીતમાં હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને શાહબાઝ અહમદનો મુખ્ય ફાળો રહ્યો. હેનરિચ ક્લાસેનએ 34 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા શામેલ હતા. શાહબાઝ અહમદે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ લીધી. અભિષેક શર્માએ પણ 4 ઓવરમાં 24 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી.
રાજસ્થાન રોયલ્સની બેટિંગ નબળી રહી. યશસ્વી જૈસવાલે 21 બોલમાં 42 રન અને ધ્રુવ જુરેલે અર્ધશતક માર્યું, પરંતુ બાકીના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. સંજુ સેમસને માત્ર 10 રન બનાવ્યા, રિઆન પરાગ 6 રન, હેટમાયર 4 રન અને પાવેલ 6 રન જ બનાવી શક્યા. સમગ્ર ટીમ 20 ઓવરમાં 139 રન જ બનાવી શકી.
રાજસ્થાનની હારનું મોટું કારણ ચેન્નઈની પિચ અને હવામાન હતું. ચેન્નઈમાં સામાન્ય રીતે રાત્રે ઓસ પડે છે, પણ આ વખતે ઓસ ન પડતા પિચ ધીમી રહી, જેના કારણે બેટ્સમેનને સ્પિનર્સ સામે રમવું મુશ્કેલ થયું. હૈદરાબાદના બે લેફ્ટ આર્મ સ્પિનર, શાહબાઝ અહમદ અને અભિષેક શર્મા, મળીને 5 વિકેટ લીધી. શાહબાઝનો ઇકોનોમી રેટ 5.6 અને અભિષેકનો 6 રહ્યો. સંજુ સેમસને આ હારના કારણો સમજાવતા કહ્યું કે મધ્ય ઓવર્સમાં તેમની ટીમ સ્પિનર્સ સામે સારું પ્રદર્શન કરી શકી ન હતી.