IPL 2025 ની તારીખોની જાહેરાત થતાં જ ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ છવાઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 21 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે. આ જાહેરાત BCCIની સ્પેશિયલ એન્યુઅલ મીટિંગ (SGM) બાદ કરવામાં આવી હતી.
ફાઈનલ 25 મેના રોજ રાજીવ શુક્લાએ જણાવ્યું કે ઉદ્ઘાટન મેચની સાથે ફાઈનલની તારીખ પણ નક્કી કરવામાં આવી છે, જે 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. IPL 2024ની શરુઆત RCB અને CSK વચ્ચે થઈ હતી અને KKRએ ટ્રોફી જીતી હતી. આ વખતે ફેન્સને વધુ ઉત્સાહિત કરતો મસમોટો ટૂર્નામેન્ટ જોવા મળશે.
BCCIની બેઠકમાં નવા સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને ખજાનચી તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના સ્થળ અંગેની ચર્ચા પણ થઈ હતી. IPL માટે નવા કમિશનરની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
જેદ્દામાં યોજાયેલા મેગા ઓક્શનમાં 182 ખેલાડીઓ માટે બોલીઓ લગાવવામાં આવી હતી, જેમાં ઋષભ પંત IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા, તેમને 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા. શ્રેયસ અય્યર અને વેંકટેશ ઐયર પણ ટોચના ખેલાડીઓમાં સામેલ છે. જોકે, ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને શાર્દુલ ઠાકુર જેવા કેટલાક ખેલાડીઓને બિડ મળ્યા નહોતા.
IPL 2025ની શરૂઆતના સમાચાર વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ માટે એક મોટા ઉત્સવ સમાન છે, જે રમતની મોજ માણવા માટે આતુર છે.