
ગુજરાતમાં નવી જંત્રી અંગે મહત્વપૂર્ણ અપડેટ, રાજ્ય સરકારે કહ્યું સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી લેશે અંતિમ નિર્ણય. જાણો શું છે જંત્રી અને કેમ છે તે મહત્વની.
રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે નવી જંત્રીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જે ગુજરાતના કરોડો લોકો માટે મહત્વનું છે. તેમણે જણાવ્યું કે સરકાર હાલમાં જંત્રીના દરો અને તેની અમલવારીને લઈને સમીક્ષા કરી રહી છે. આ સમીક્ષા પૂર્ણ થયા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેશે. ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે, “એવું નથી કે નવી જંત્રી લાગુ નહીં થાય, પરંતુ એવું પણ નથી કે તે તાત્કાલિક લાગુ થઈ જશે. સરકાર દરેક પાસાને ધ્યાનમાં લઈને આગળ વધી રહી છે.”
જંત્રીનો મુદ્દો રાજ્યના લોકો માટે સંવેદનશીલ હોવાથી સરકાર કોઈ ઉતાવળ કરવા માગતી નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, સંબંધિત વિભાગો અને નાગરિકો પાસેથી મળેલા સૂચનોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સૂચનોના આધારે જ સરકાર નિર્ણય લેશે. તેમણે ઉમેર્યું કે, “આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે જંત્રીનો નિર્ણય લોકોના હિતમાં હોય અને તેનાથી કોઈને અયોગ્ય અસર ન થાય.”
અગાઉ ગુજરાત સરકારે નવી જંત્રીના દરો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ લોકો તરફથી મળેલા વિરોધ અને સૂચનોને ધ્યાને લઈને તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. સરકારને લગભગ 11,000થી વધુ સૂચનો મળ્યા હતા, જેમાંથી 6,000થી વધુ સૂચનો જંત્રીના દરો ઘટાડવા માટેના હતા, જ્યારે 1,700 જેટલા સૂચનો દરો વધારવાની તરફેણમાં હતા. આ બધાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા થઈ રહી છે, અને તેમના સ્તરે જ આખરી નિર્ણય લેવાશે.
જંત્રી એટલે સરકાર દ્વારા નિર્ધારિત જમીન અને મિલકતની લઘુત્તમ કિંમત, જેને લેન્ડ વેલ્યૂ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દરોના આધારે પ્રોપર્ટીના ખરીદ-વેચાણ દરમિયાન સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ નક્કી થાય છે. જો કોઈ વ્યક્તિ જંત્રીથી ઓછી કિંમતે પ્રોપર્ટી ખરીદે, તો સરકારી દસ્તાવેજોમાં તેની નોંધ થતી નથી. રાજ્ય સરકાર સમયાંતરે બજાર કિંમત અને અન્ય પરિબળોના આધારે જંત્રીના દરો નક્કી કરે છે.
જંત્રીના દરો ઘણા પરિબળો પર આધારિત હોય છે, જેમ કે જમીનનું સ્થાન, મિલકતનો પ્રકાર (રહેણાંક કે કોમર્શિયલ), આસપાસનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બજાર કિંમત. ઉદાહરણ તરીકે, કોમર્શિયલ પ્રોપર્ટીના જંત્રી દર રહેણાંક પ્રોપર્ટી કરતાં વધુ હોય છે. ગુજરાતમાં જંત્રી નક્કી કરવા માટે મહારાષ્ટ્રની પદ્ધતિનું અનુસરણ કરવામાં આવે છે, જ્યાં દર વર્ષે દરોની સમીક્ષા થાય છે.