NEET UG 2025 પરીક્ષાનું આયોજન CBT મોડમાં નહીં થાય. આ પરીક્ષા અગાઉની જેમ OMR શીટ પર પેન-પેપર મોડમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
નીટ યુજી 2025
NEET UG 2025ની પરીક્ષા JEE મેઈનની જેમ ઓનલાઇન મોડમાં અને બે ફેઝમાં નહીં યોજાય. પરીક્ષા OMR શીટ પર એક જ દિવસ અને એક જ શિફ્ટમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પોતાની સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર આ અંગેની સૂચના આપી છે.
એજન્સી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે NEET UG 2025 પરીક્ષાનું આયોજન મેડિકલ અને આલાઇડ કોર્સમાં પ્રવેશ માટે OMR શીટ પર પેન અને પેપર મોડમાં કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ પરીક્ષા JEE મેઈનની જેમ CBT મોડમાં અને બે ફેઝમાં થઈ શકે છે, પરંતુ હવે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પરીક્ષા એક જ દિવસમાં અને એક જ શિફ્ટમાં લેવામાં આવશે.
NEET UG 2025: કયા મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEETની જરૂર પડે છે?
NTAના નોટિફિકેશન મુજબ NEET UG પરીક્ષાની મદદથી MBBS, BAMS, BUMS, BSMS તેમજ BHMS જેવા કોર્સમાં પ્રવેશ મળશે. આ ઉપરાંત, વર્ષ 2025 માટે સશસ્ત્ર દળોની મેડિકલ સેવા માટે BSc નર્સિંગ કોર્સમાં પ્રવેશ ઈચ્છનાર ઉમેદવારો માટે NEET UG પરીક્ષા ફરજિયાત છે. NEET UG સ્કોર ચાર વર્ષના BSc નર્સિંગ કોર્સમાં પ્રવેશ માટે પણ લાગુ પડશે.
NEET UG 2025 Registration: ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની સંભાવના
NEET UG 2025 પરીક્ષા માટે ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી ફેબ્રુઆરીમાં નોટિફિકેશન જાહેર કરી શકે છે. જો કે, હજુ સુધી NTAએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન ચકાસવું જરૂરી છે.
NEET UG 2025 પરીક્ષા માટેના ઉમેદવાર આ લિંક પર ક્લિક કરીને (NTA NEET UG 2025 Notification) NTAનું નોટિફિકેશન જોઈ શકે છે.