
આરોગ્ય કર્મચારી હડતાલ: રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓ એક દિવસની માસ CL (કેજ્યુઅલ લિવ) રાખી હોવા છતાં, તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નહીં. જેથી આગામી 17મી માર્ચથી હડતાલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ, 15-03-2025: આ હડતાલમાં રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે, જેનાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં.
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઈ જોશીએ જણાવ્યું કે, કર્મચારીઓની મુખ્ય માંગણીમાં પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા શરૂ કરવી, ગ્રેડ-પે સંબંધિત પ્રશ્નોનો નો વહેલી તકે ઉકેલ લાવવો, સ્ટાફ નર્સ ટ્રેડરની વિવિધ મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું.
આ મુદ્દાઓને લઈ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હવે 17મી માર્ચ સોમવારથી રાજ્યવ્યાપી હડતાલ શરૂ થશે.
આ હડતાલમાં રાજકોટના તમામ આરોગ્ય કર્મચારીઓ જેમાં લેબ ટેક્નિશિયન, સુપરવાઇઝર અને સ્ટાફ નર્સ પણ જોડાશે.
રાજ્ય સરકારને 17મી માર્ચથી અનિશ્ચિત સમયગાળા માટે ની હડતાલનું એલાન અગાઉ જ આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ પણ આવેદનપત્ર આપી દેવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે, જેનાથી ગરીબ અને અંતિમ વર્ગના દર્દીઓને તકલીફ પડી શકે છે. જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ સમાધાન કરવામાં નહીં આવે, તો આ હડતાલ લાંબી ચાલી શકે છે, જે આરોગ્ય વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આગામી દિવસોમાં સરકાર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં, તે જોવાનું રહેશે.