
Mansukhbhai Vasava: આજે સાંજે 7:15 કલાકે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા, વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ગુજરાતમાંથી મંત્રીપદ માટે મનસુખ વસાવા શપથ લેશે. ભરૂચ બેઠક પરથી સાતમી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા મનસુખ વસાવાએ આ વખતે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટક્કર આપી મોટી લીડથી જીત મેળવી છે. આ સમયગાળા દરમિયાન મનસુખ વસાવાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવશે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાંથી વધુ કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પ્રાંત પ્રમુખ સી.આર. પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે.
ભરૂચ બેઠક ગુજરાતમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક સમયે કોંગ્રેસના અહમદ પટેલ આ બેઠકના દિગ્ગજ નેતા હતા, પરંતુ હવે આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય છે. માનવામાં આવતું હતું કે ફૈઝલ પટેલ અથવા મુમતાઝ પટેલને ટિકિટ મળશે, પણ આ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દીધી હતી.
છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી માત્ર ભાજપ જ વિજેતા બન્યું છે. આ વખતે પણ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને હરાવી છે. 1984માં કોંગ્રેસે છેલ્લે આ બેઠક જીતી હતી.
ભરૂચ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ મતદારો હોવા છતાં 1989થી આ બેઠક ભાજપના કબ્જામાં છે. આ વખતે પણ મનસુખ વસાવાએ 7મી વખત જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા હતા, પણ ભરૂચ બેઠક પર ફરી ભાજપનો વિજય થયો.
આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક જીતવા પૂરજોર પ્રયાસો કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની પત્નીએ પણ પ્રચાર કર્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચમાં 69.16 ટકા મતદાન થયું હતું. તમામ પ્રયત્નો છતાં, ભાજપના મનસુખ વસાવાએ સાતમી વખત ભરૂચ બેઠક પરથી વિજય મેળવ્યો.