
Rahul Gandhi Raebareli, Wayanad News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક છોડી દીધી છે અને રાયબરેલી બેઠક પર રહેવાનું નક્કી કર્યું છે.
Rahul Gandhi Raebareli, Wayanad News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક છોડી દીધી છે અને રાયબરેલી બેઠક પર રહેવાનું નક્કી કર્યું છે. રાયબરેલી બેઠક ગાંધી પરિવારમાં પરંપરાગત માની શકાય છે. પહેલા અહીંથી સોનિયા ગાંધી લાંબા સમય સુધી સાંસદ રહી ચૂકી છે.
લોકસભા ચૂંટણી 2024માં રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બન્ને બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બન્ને બેઠકો પર જીત મેળવી હતી. હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક રાખી છે અને વાયનાડ છોડવાનું નક્કી કર્યું છે. પક્ષે નક્કી કર્યું છે કે ઉપચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
વાયનાડ બેઠક છોડી દેવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, "મારો રાયબરેલી અને વાયનાડ સાથે ભાવનાત્મક જોડાણ છે. છેલ્લા પાંચ વર્ષમાં હું વાયનાડનો સાંસદ હતો. ત્યાંના બધા લોકો અને દરેક પક્ષના લોકોનો મને ખૂબ સ્નેહ મળ્યો છે, તેના માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, પણ હું પણ ત્યાં નિયમિત રીતે જતો રહીશ."
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "વાયનાડને લઈને જે વાયદા કર્યા છે તે સંપૂર્ણ રીતે પૂરાં કરવામાં આવશે. રાયબરેલી સાથે અમારો જૂનો સંબંધ છે અને મને આ બેઠક ફરીથી પ્રતિનિધિત્વ કરવાનો આનંદ છે. આ નિર્ણય સરળ નહોતો કારણ કે બન્ને જગ્યાઓ સાથે મારો જોડાણ છે."
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "રાહુલ ગાંધી બે બેઠકો પરથી જીત્યા છે. કાયદા અનુસાર તેમને એક બેઠક પસંદ કરવી પડશે. પાર્ટીએ નિર્ણય કર્યો છે કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ તરીકે રહેશે અને પ્રિયંકા ગાંધી વાયનાડથી ઉપ-ચૂંટણી લડશે."
2019માં પણ રાહુલ ગાંધીએ પ્રથમ વખત વાયનાડથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તે વખતે અમેઠીમાં તેમને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સામે હારવાનો વારો આવ્યો હતો. 2024ની ચૂંટણીમાં રાહુલ બંને બેઠકો પર જીત્યા છે, જેમાં રાયબરેલીમાં તેમને વધુ મોટી જીત મળી છે.
રાયબરેલી બેઠક લાંબા સમયથી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. 2019 સુધી સોનિયા ગાંધી આ બેઠક પરથી સાંસદ હતા. 2024ના ચૂંટણી પહેલા સોનિયા ગાંધી ચૂંટણી રાજકારણથી દૂર રહી રાજસ્થાનથી રાજ્યસભા માટે પસંદ થયા હતા.