ગુજરાત પર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું સંકટ ઊભું થયું છે. રવિવારે રાતથી રાજ્યના દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
28 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
રાજ્યના 33માંથી 28 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. નાગરિકોને તેમના મોબાઈલ પર SMS મોકલીને આ વિશે ચેતવણી અપાઈ છે. મેસેજમાં લોકોને આ માહિતી આપવામાં આવી છે કે આગામી 24 કલાકમાં તમારા વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.
શાળાઓમાં રજા જાહેર
અગાઉથી, શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાની શક્યતા ટાળી શકાય.
કેન્દ્રીય ગૃહમંત્રીની મુખ્યમંત્રી સાથે વાતચીત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી મદદ માટે ખાતરી આપી છે.
મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને અપીલ કરી છે કે નદી-નાળા અને માર્ગો પર વહેતું પાણી જોખમરૂપ હોઈ શકે છે, તેથી કોઇએ તેને પાર ન કરવું. તેમણે કહ્યું કે, સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરો અને બચાવ-રાહત કામગીરીમાં સહકાર આપો.
વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 28મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેશે. 30મી ઓગસ્ટ પછી ફરીથી બંગાળના ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે વધુ વરસાદની સંભાવના છે. 2 થી 15 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે.