
Rohit Sharma Retirement: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ મેચ પહેલા એક મોટો સવાલ એ છે કે શું રોહિત શર્મા આ મેચ પછી નિવૃત્તિ લેશે? આ મુદ્દા પર ટીમના ઉપકપ્તાન શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું છે.
શુભમન ગિલે દુબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચા નથી થઈ. ગિલે કહ્યું કે તેમને લાગતું નથી કે રોહિત શર્મા હાલ આ વિષય પર વિચારતા હશે. ગિલે ઉમેર્યું કે ફાઈનલ બાદ જ રોહિત પોતાનો નિર્ણય લેશે.
38 વર્ષીય રોહિત શર્મા પહેલેથી જ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. 2027ના મોટા આઈસીસી ટૂર્નામેન્ટમાં રોહિત લગભગ 40 વર્ષના હશે, જેના કારણે તેમનું આગળનું ભવિષ્ય અનિશ્ચિત છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પછી રોહિત શર્મા શું નિર્ણય લેશે તે જોવું રસપ્રદ રહેશે.
શુભમન ગિલે વધુમાં જણાવ્યું કે ટીમના તમામ ખેલાડીઓ દબાણને હેન્ડલ કરવા માટે તૈયાર છે. ભારતની હાલની ટીમમાં શ્રેષ્ઠ બેટિંગ લાઇનઅપ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ જેવી દિગ્ગજ પ્લેયર ટીમનો ભાગ છે.
ગિલે જણાવ્યું કે ટીમ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. તેમણે કહ્યું, ‘અમારા બેટ્સમેન્સે પ્રથમ અથવા બીજી બેટિંગ માટે સંપૂર્ણ તૈયારી કરી છે. હું ફાઈનલ મેચમાં મારા માટે થોડો વધુ સમય લેવા ઈચ્છું છું.’