ભરૂચના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને ધોળે દિવસે ઢોર માર માર્યો, જેનો CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શાળાની ઓફિસ કે બૉક્સિંગ રિંગ?! કેવી રીતે શરૂ થયો વિવાદ?
આ ઘટના શાળાની ઓફિસમાં બની, જ્યાં શિક્ષક અને આચાર્ય વચ્ચે પ્રથમ તીવ્ર બોલાચાલી થઈ હતી. શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર રજા મંજુર કરાવવા આવ્યા હતા, પરંતુ પ્રિન્સિપાલ હિતેન્દ્ર ઠાકોર ગુસ્સે થઈ ગયા. વિવાદ એટલો વધ્યો કે આચાર્ય ગુસ્સે ઉઠી જંપી પડ્યા અને શિક્ષકને ઢોર માર માર્યો.
CCTV ફૂટેજમાં શું દેખાય છે?
CCTV વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્યએ પહેલા ગુસ્સે થઈને શિક્ષક પાસે જઈ તેઓને મારવા મંડ્યા. પ્રથમ દફા મામલો થોડીવાર શાંત થઈ ગયો, પરંતુ થોડીવારમાં આચાર્ય ફરી ગુસ્સે થઈને શિક્ષક પર તૂટી પડ્યા. વિડિયોમાં દેખાય છે કે આચાર્ય શિક્ષકને ખેંચીને જમીન પર પટકે છે અને બાદમાં તેમને ફરીથી લાત-ઘૂંસા મારે છે.
શાળા ટ્રસ્ટીઓનો નિર્ણય - પ્રિન્સિપાલ સસ્પેન્ડ
CCTV ફૂટેજ વાયરલ થયા બાદ શાળાના ટ્રસ્ટીઓએ તાત્કાલિક પગલાં લીધાં છે. આચાર્ય હિતેન્દ્ર ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર સમક્ષ પણ રજુ કરવામાં આવ્યો છે, જેથી શિક્ષણ સંસ્થાઓમાં આવા બનાવો ન પુનરાવૃત થાય.
તમે શું માનો છો? આવા શિક્ષકો સામે શું પગલાં લેવાં જોઈએ?