rajkot agnikand news: રાજકોટના અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટ બાદ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે SITને સંપૂર્ણ તપાસ માટે વધુ સમયની જરૂર છે. SITએ આ રિપોર્ટમાં કુલ 10 મુદ્દાઓના આધારે રાજ્ય સરકારને પ્રાથમિક જાણકારી આપી છે.
ગંભીર બેદરકારીના આરોપો
SITના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાએ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્કાળજી
SITના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કર્યો છે. ગેમ ઝોન ત્રણ વર્ષથી ચાલતું હતું છતાં કોઈ પગલા ન લેવાયા. ગેમ ઝોનને એક જ એન્ટ્રી અને એક્ઝિટ માર્ગ હતો, જે ઈમરજન્સી માટે અસુરક્ષિત હતો.
ફાયર સિસ્ટમમાં પાણીનો અભાવ
SITના રિપોર્ટ મુજબ, ગેમ ઝોનમાં ફાયર સિસ્ટમમાં પાણીનું કનેક્શન ન હતું. આગ લાગ્યા બાદ માત્ર ચારથી પાંચ ફૂટની એક સીડીથી પ્રથમ માળે જવું પડતું હતું, જે ભયજનક હતી. સમગ્ર ગેમ ઝોનમાં માત્ર એક ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર હતો.
ગો કાર્ટિંગ પાસે ફ્યુલ ઈન્ટેક
SITના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ગો કાર્ટિંગની જગ્યા પાસે મોટી માત્રામાં ફ્યુલ ઈન્ટેક મળી હતી. આ રિપોર્ટ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સુપર્દ કરેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે SITને વધુ તપાસ માટે સમયની જરૂર છે.
કાળા દિવસની ઘટના
25 મેના રોજ રાજકોટના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
પોલીસ પોતે ફરિયાદી
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન પોતે ફરિયાદી બની હતી. IPC કલમ 304, 308, 337, 338, 114 હેઠળ કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ લોકોમાં ધવલભાઈ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડનો સમાવેશ થાય છે.
અધિકારીઓને સસ્પેન્ડ
આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો બાદ, રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થનારાઓમાં ગૌતમ જોશી, જયદીપ ચૌધરી, એમ.આર. સુમા, વી.આર. પટેલ, એન. આઈ. રાઠોડ, પારસ કોઠીયા અને રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. કેટલાક મોટા અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે.