
૨૮ એપ્રીલ થાનગઢ ખાતે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી અને સીલીકોસીસ પીડીત સંઘ, થાન દ્વારા વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવાયો.
૨૮ એપ્રીલ થાનગઢ ખાતે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી અને સીલીકોસીસ પીડીત સંઘ, થાન દ્વારા વિશ્વ કામદાર સ્મૃતિ દીવસ મનાવાયો. થાન ખાતે પ્રથમવાર આ દીવસ મનાવાયો. થાનના સીરામીક ઉધ્યોગના લાંબા ઇતીહાસમાં સીરામીક કામદારો અને પીડીતો દ્વારા આ અનોખો કાર્યક્રમ પહેલીવાર મનાવાયો જેમાં સીલીકોસીસ પીડીત કુટુંબો અને સ્થાનીક સીરામીક કામદારોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો.
જે કુટુંબોએ પોતાનો લાડકવાયો સીલીકોસીસમાં ગુમાવ્યો હોય તે કુટુંબો પોતાના પ્રીય કુટૂંબીજન - જે પતી હોય, પીતા હોય, દીકરો હોય તેમની તસ્વીરો લઇ આવ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં તે બધી તસ્વીરોને માલ્યાર્પણ કરતાં કુટુંબીજનોની આંખો અશ્રુભીની થઇ હતી. ઉપસ્થીત તમામ મહેમાનોએ તે પછી પુષ્પો દ્વારા મ્રુતકોને અંજલી આપી હતી.
ઉપસ્થીત મહેમાનોને સંબોધિત કરતાં સંસ્થાના નીયામક શ્રી જગદીશ પટેલે જણાવ્યું હતું કે આઇ.એલ.ઓ,ના અંદાજ મુજબ વીશ્વમાં વર્ષે ૨૩ લાખ કામદારો કામને સ્થળે અકસ્માત કે વ્યવસાયીક રોગોને કારણે મૃત્યુ પામે છે. જે પૈકી અકસ્માતથી ૩ લાખ લોકો મરે છે અને ૨૦ લાખ લોકો જુદા જુદા વ્યવસાયીક રોગોને કારણે મરે છે. એટલે કે વ્યવસાયીક રોગોને કારણે મૃત્યુ થવાની સંખ્યા ૬ ગણાથી પણ વધારે છે. ૨ વર્ષ પહેલા આઈ.એલ.ઓ ( ILO ) એ કામને સ્થળે સલામતી અને આરોગ્યને મુળભુત માનવ અધીકાર તરીકે જાહેર કર્યો. અને તેના ઠરાવ નં. ૧૫૫ અને ૧૮૭ હવે મુળભુત ઠરાવોની શ્રેણીમાં આવે છે. મુળભુત ઠરાવો દરેક સભ્ય દેશ સ્વીકારે તેવો આગ્રહ રખાતો હોવા છતાં ભારતે હજુ આ ઠરાવો સ્વીકાર્યા નથી અને એ સ્વીકારે નહી ત્યાં સુધી તમામ આર્થીક ક્ષેત્રના કામદારોને કામને સ્થળે સલામતી અને આરોગ્યનો અધીકાર મળવાનો નથી. તેમણે ૨૦૦૯ની કામને સ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણની રાષ્ટ્રીય નીતીનો અમલ કરવાની પણ માગણી કરી.
સીલીકોસીસ પીડીત સંઘ, મોરબીના શ્રી મહેશભાઈએ સીલીકોસીસ પીડીત સંઘને મજબૂત કરવા અને જાગરૂકતા લાવવા હાકલ કરી.
થાનના સીલીકોસીસ પીડીત દીનશેભાઈ પારઘીએ આ પ્રસંગ મનાવાયો તેને આવકરતાં જણાવ્યું કે આપણે આપણાં હક્કની માંગણી માટે જાગૃત થવું પડશે.
સીલીકોસીસ પીડીત સંઘ, થાનના આગેવાન શ્રી દીલીપભાઈ ચાવડાએ કહ્યું કે આપણે કામ કારીએ છીએ પણ આપણે સુરક્ષા અને સલામતી નથી મળતી એટલે બધી કમાણી સારવારમાં વપરાઈ જાય છે અને દેવું પણ થઈ જાય છે. તેમણે કહ્યું કે મારા પીતા બે વર્ષ પહેલાં સીલીકોસીસથી ગુજરી ગયા, મારી માતા પણ સીલીકોસીસનો ભોગ બની છે અને હું પણ હવે સીલીકોસીસથી પીડાઇ રહ્યો છું. થાનના ઘરઘરમાં આ જ હાલત છે. તેમાંથી બહાર નીકળવા આપણે અથાક પ્રયાસ કરવા પડશે.
ત્યાં સીલીકોસીસને કારણે પોતાના પતી ગુમાવનાર ચંપાબેન દૂ:ખ સાથે કહ્યું કે મેં સહાય માટે અરજી કરી છતાં મને સરકાર સહાઅય ચુકવતી નથી તે શા કામનું? હવે તો હું મારા છોકરાને આવું ભયંકર જોખમી કામ ન કરવા સલાહ આપું છું.
આ પ્રસંગે ખાસ પ્રગટ કરેલી પત્રીકા શ્રી દર્શનભાઈએ વાંચી સંભળાવી જે દરમીયાન પત્રીકા ઉપસ્થીત સૌને વહેંચવામાં આવી. શ્રી નવીનભાઈ રામાનુજે આભાર વીધી કરતાં હાજર બહેનોની ઉપસ્થીતીની પ્રશંસા કરતાં જણાવ્યું કે આમંત્રણ પહેલાં તેમની મળ્યું ન હતું પણ જાણ થતાં જ એ પોતાનો કાર્યક્રમ સમજી સભામાં હાજર રહ્યા તે દર્શાવે છે કે થાનમાં હવે પીડીત સંઘ જરૂર મજબુતીથી આગળ વધશે.
News Source: Press Note - PTRC (PEOPLES TRAINING & RESEARCH CENTER)