સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં નિયમિતતા લાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 1 ફેબ્રુઆરી 2025થી ગાંધીનગરની કેટલીક મુખ્ય સરકારી કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ (DAS) લાગુ કરાશે. આ નવા ઉપાય દ્વારા ગેરહાજરી અને મોડા આવવા જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવામાં આવશે.
ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં
કચેરીઓમાં શિસ્ત અને નિયમિતતાના અભાવને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. હાલમાં ચાલી રહેલી ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (IWDMS) ને વધુ આદર્શ બનાવવા માટે DAS લાગુ કરાશે, જે હાજરીના નિયંત્રણમાં વધુ અસરકારક રહેશે.
પ્રાયોગિક શરૂઆત ગાંધીનગરથી
નવા પ્રોજેક્ટનું પ્રારંભિક અમલ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કચેરી, કર્મયોગી ભવન, અને ઉદ્યોગ ભવનમાં કરવામાં આવશે. શરૂઆતના ત્રણ મહિના પરંપરાગત હાજરી પ્રણાલી સાથે આ ડિજિટલ સિસ્ટમને પણ ચાલુ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટના સંચાલન માટે તમામ વ્યવસ્થા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવશે.
જમાવટ માટે સ્માર્ટ ટેક્નોલોજી
આ સિસ્ટમ દ્વારા ઓફિસના લોકેશન મેપિંગ, હાજરી ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને રિપોર્ટિંગ શક્ય થશે. જો કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો હાજરી માટે વેબકેમ જેવી સુવિધાનો ઉપયોગ કરી શકાશે. આ માટે જરૂરી સાધનોની ખરીદી કરવા અને ટ્રેનીંગ આપવા GIL (ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ) દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે.
આ સિસ્ટમ પ્રત્યેક કચેરીમાં નિયમિત શિસ્ત લાવવા, મોડા આવનારા કર્મચારીઓને કાબૂમાં રાખવા અને સુંચિંત્ર વહીવટ માટે મક્કમ પગલું સાબિત થશે. ધીરે-ધીરે રાજ્યની અન્ય તમામ સરકારી કચેરીઓમાં પણ આ પ્રણાલી અમલમાં આવશે.