દેવભૂમિ દ્વારકા: ફેબ્રુઆરીમાં 980 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે માત્ર છ મહિના બાદ જ આ બ્રિજમાં તિરાડો અને ગાબડા જોવા મળ્યા છે. આ કેબલ સ્ટેઈડ બ્રિજ ઓખા મેઇનલેન્ડને બેટ દ્વારકા સાથે જોડે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. આ વરસાદને કારણે સુદર્શન સેતુમાં ગાબડા અને તિરાડો પડી ગયા છે. લોકો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે અને આ પ્રસંગે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
વરસાદમાં બ્રિજની ખરાબ હાલત
દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ તરીકે ઓળખાતા આ સુદર્શન સેતુ બ્રિજ પર લોખંડ અને સિમેન્ટનો ભારે ઉપયોગ કરાયા છતાં, પહેલા જ વરસાદમાં ગાબડા અને તિરાડો દેખાવા લાગ્યા છે. કેટલીક જગ્યાએ સિમેન્ટ ઉખડી ગયા છે અને અંદરના સળિયા બહાર આવી ગયા છે. આ ખામીઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
માત્ર છ મહિના પહેલાં લોકાર્પણ થયેલા આ બ્રિજની હાલત પર અનેક સવાલો ઉભા થયા છે. બ્રિજ બનાવનાર એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપની (SP Singla Construction Company) પર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુદર્શન સેતુની વિગતો
આ બ્રિજ 2.5 કિમી લાંબો છે અને બેટ દ્વારકાને ઓખામંડળ સાથે જોડે છે. બ્રિજ પર ફૂટપાથ પર સોલાર પૅનલ્સ લગાડવામાં આવી છે, જે 1 મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે. બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ અને શ્રીકૃષ્ણની તસવીરો ચિત્રિત કરાઈ છે.
આ સેતુ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો એક ભાગ છે, જે ધાર્મિક અને પર્યટન માટે મહત્વપૂર્ણ છે.
જણાવી દઈએ કે, આ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો ઉપરાંત, સ્થાનિક લોકોમાં નિરાશા ફેલાઈ છે. તંત્ર અને સંલગ્ન કન્સ્ટ્રક્શન કંપની પાસેથી હવે ઝડપી અને કડક કાર્યવાહીની અપેક્ષા છે.
Source: Gujarattak