School Vacation: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. તાજેતરમાં આવી રહેલા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવી રહ્યું હતું કે ગરમીને કારણે ઉનાળું વેકેશન લંબાવાશે. હવે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થશે.
વેકેશન લંબાવવાની માંગણી ઠુકરાઈ
રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપે રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં લઈને સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવા માંગણી કરી હતી. પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
13મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ
આ નિવેદન પછી, રાજ્યભરના તમામ સ્કૂલો 13મી જૂનથી જ શરુ થશે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અમુક જગ્યાએ વરસાદના અમી છાંટા પડ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10મી જૂન આસપાસ ચોમાસું બેસી જવાનું આગાહી કરી છે, જેથી સ્કૂલો શરૂ થાય ત્યારે તાપમાનમાં ઘટાડો થવાનો અંદાજ છે અને બાળકોને ગરમીથી રાહત મળશે.