
હ્યુસ્ટન, યુએસએ - ભારતીય મૂળની 58 વર્ષીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરિક્ષ યાત્રા માટે તૈયાર છે.
હ્યુસ્ટન, યુએસએ - ભારતીય મૂળની 58 વર્ષીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી વાર અંતરિક્ષ યાત્રા માટે તૈયાર છે. સુનિતા બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષમાં જશે, જેનું લોન્ચિંગ 1 જૂનથી 5 જૂન વચ્ચે થવાનું છે.
અવકાશયાનના પ્રોપલ્શન સિસ્ટમમાં ખામી સર્જાતા પહેલા અંતરિક્ષયાનનું લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું હતું. નાસાએ જણાવ્યું હતું કે બોઇંગ અને યુનાઇટેડ લૉન્ચ અલાયન્સના મિશન મેનેજર્સ બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષયાનના લોન્ચિંગની સમીક્ષા કરી રહ્યા છે. આ મિશન અંતર્ગત બોઇંગ ક્રૂ ટેસ્ટ ફ્લાઇટ અંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરશે.
સુનિતા વિલિયમ્સ સાથે બૂચ વિલ્મોર પણ ISS જશે. સ્પેસX અને બોઇંગ પોતાના અંતરિક્ષયાન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરી રહ્યા છે.
સુનિતા વિલિયમ્સ પ્રથમ વખત 2006માં નાસાના એક્સપેડિશન-14 હેઠળ અંતરિક્ષમાં ગઇ હતી. સુનિતાએ કુલ ચાર વાર સ્પેસવૉક કર્યુ છે. 2012માં એક્સપેડિશન-33 મિશન અંતર્ગત બીજીવાર અંતરિક્ષમાં ગઈ હતી. સુનિતા વિલિયમ્સ અત્યાર સુધીમાં 322 દિવસ અંતરિક્ષમાં વિતાવી ચુકી છે. આ ત્રીજી યાત્રા માટે તે નાસા સાથે કામ કરતી ખાનગી સ્પેસ કંપની બોઇંગના સ્ટારલાઇનર એરક્રાફ્ટમાં અંતરિક્ષમાં જશે.