Gujarat Hospital Scam : ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની ગોપનીયતા અને સુરક્ષાને ખતમ કરતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગરોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે.
હૉસ્પિટલની સ્પષ્ટતા
મહિલા દર્દીઓના લીક થયેલા વીડિયો રાજકોટની હોસ્પિટલના હોવાનો ખુલાસો#Rajkot #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/S0ZKo9q1DM
— Tv9 Gujarati (@tv9gujarati) February 17, 2025
હૉસ્પિટલના એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું કે તેમના કેમેરા હેક કરવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ અને સાયબર સેલને જાણ કરવામાં આવી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાથી ગુજરાતભરમાં નારાજગી જોવા મળી રહી છે.
મહિલાઓના પ્રાઈવેટ ચેકઅપના વીડિયો લીક!
સૂત્રો અનુસાર, મહિલાઓના બ્રેસ્ટ ચેકઅપ, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, સિટી સ્કેન વગેરેના 5000થી વધુ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. 'Megha MBBS' નામની ટેલિગ્રામ ચેનલ પર આ વીડિયોઝ અપલોડ થયા છે, જેમાં ગુજરાતી ભાષામાં વાતચીત પણ સંભળાઈ રહી છે. જોકે, હજી સુધી આ ક્લિપ્સના સ્ત્રોત અને જવાબદાર વ્યક્તિઓ વિશે સ્પષ્ટતા થઈ નથી.
પેઇડ મેમ્બરશિપ દ્વારા વેચાતા હતા વીડિયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, 999 રૂપિયાની મેમ્બરશિપમાં આ વીડિયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ચેકઅપના ફોલ્ડર્સ છે. ગાયનેક તપાસના 2500થી વધુ વીડિયો હોવાના દાવા કરવામાં આવ્યા છે.
કાયદાકીય કાર્યવાહી અને તપાસ શરૂ
હાલમાં 'મેઘા MBBS' યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ જૂથોની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ આ મામલે IT એક્ટની કલમ 66E અને 67 હેઠળ ગુનો નોંધશે અને આરોપીઓના IP એડ્રેસ ટ્રેસ કરીને કડક કાર્યવાહી કરશે.
ACPનું નિવેદન
ACPએ જણાવ્યું કે, 'હૉસ્પિટલમાં સારવાર માટે આવતી મહિલાઓના વીડિયો લીક થવાની ઘટના ગંભીર છે. યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના ઓનર્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે કે નહીં?
ગુજરાતને દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં ગણવામાં આવે છે, પણ આ ઘટના રાજ્યની ગૌરવશાળી છબી પર કલંક સમાન છે. આવી ઘટનાથી સમાજમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. સરકાર અને સંબંધીત તંત્રએ આ બાબત પર ત્વરિત પગલાં ભરવાની જરૂર છે.