
વાંકાનેર: વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે ખેતમજૂરી કરતા એક પરિવારને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થતાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું, જ્યારે પરિવારના 4 અન્ય સભ્યોને ઝાડા અને ઉલટીના કારણે સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે મહમદહુસેન જલાલભાઈ કડીવારની વાડીમાં રહેતા એક ખેતમજૂર પરિવારે સવારે રસોઈ બનાવ્યા બાદ બપોરે ભોજન લીધું હતું.
ખાદ્યપદાર્થમાં ઝેરી અસર થવાના કારણે પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું. બધા સભ્યોને ઝાડા-ઉલટીની તકલીફ શરૂ થતાં વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અનિલભાઈ છગનભાઈ ડાવર ઉમર 34 નામના ખેતમજૂરનું તબિયત વધુ બગડતા મૃત્યુ નીપજ્યું. જ્યારે મૃતકની પત્ની, પુત્ર અને બે સંબંધીઓને ગંભીર લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હાલ ફૂડ પોઈઝનિંગનું કારણ સ્પષ્ટ થયું નથી. ખાદ્યપદાર્થમાં કોઈ ઝેરી અસર હતી કે અન્ય કોઈ કારણ, એ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટના ખેતમજૂર પરિવારો માટે ચિંતાજનક છે, કારણ કે આવા બનાવોમાં જાનનું નુકસાન થાય છે. તંત્રએ ખાદ્યપદાર્થોની યોગ્ય તપાસ અને સ્વચ્છતાનું જ્ઞાન વધારવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે.