Period Leave : મહિલાઓ માટે પિરિયડ લીવ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી થઈ. આ અરજીમાં કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે જાહેર હિતમાં પિરિયડ લીવ અંગે કોઈ આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આ મુદ્દે નીતિ નક્કી કરવા માટે તમામ પક્ષો અને રાજ્યો સાથે વાતચીત કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે તે પિરિયડ લીવ અંગે રાજ્યો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરી નીતિ ઘડવામાં આવે. કોર્ટના મતે આ નીતિનો મુદ્દો છે અને કોર્ટને આ મુદ્દે વિચારવું ન જોઈએ.
નીતિ માટે ચર્ચા
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અરજદારને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અને એએસજી ઐશ્વર્યા ભાટી સમક્ષ પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. કોર્ટ આશા રાખે છે કે તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે એક આદર્શ નીતિ બનાવવામાં આવે.
CJI ડીવાય ચંદ્રચૂડની ટિપ્પણી
CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, પિરિયડ લીવ વધુ મહિલાઓને કાર્યબળનો ભાગ બનવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ સાથે જ મહિલાઓને તેમના કાર્યસ્થળથી દૂર લઈ જવાની સંભાવના પણ છે. આ મુદ્દો સરકારી નીતિનો છે અને કોર્ટે તેનો વિચાર ન કરવો જોઈએ.
બિહારનું ઉદાહરણ
હાલમાં, બિહાર એકમાત્ર રાજ્ય છે જ્યાં 1992ની નીતિ હેઠળ ખાસ પિરિયડ લીવ આપવામાં આવે છે. અરજદારોનો દાવો છે કે, અન્ય રાજ્યોમાં પિરિયડ લીવ ન આપવી એ બંધારણની કલમ 14 અંતર્ગત સમાનતા અને ગૌરવપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.