પંજાબમાં સેનાનું દિલધડક રેસ્ક્યુ: છેલ્લી વ્યક્તિને બચાવ્યા બાદ સેકન્ડોમાં ઈમારત ધરાશાયી

પંજાબના માધોપુર હેડવર્ક્સ વિસ્તારમાં પૂર વચ્ચે ભારતીય સેનાએ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પૂરનાં પાણીમાં ફસાયેલા નાગરિકો અને CRPF જવાનોને બચાવવા માટે સેનાના જવાનો મેદાનમાં ઊતર્યા હતા.

માહિતી મુજબ, ઈમારતમાં ફસાયેલા આશરે 25 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા. આ ઓપરેશન એટલું જોખમી હતું કે, જેમ જ છેલ્લી વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી, તેના થોડી જ ક્ષણોમાં આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.

આ મિશન દરમિયાન હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી હતી. સતત વરસાદ, ખરાબ હવામાન અને વધી રહેલા પૂરના પાણી વચ્ચે પણ સૈનિકોએ અદ્ભુત બહાદુરી અને હિંમત બતાવી.

ભારતીય સેનાએ આ દિલધડક ઓપરેશનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો છે, જેમાં બચાવની આખી પ્રક્રિયા અને બાદમાં ઈમારત ધરાશાયી થતી ક્ષણો કેદ થઈ ગઈ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સૈનિકોની બહાદુરીને દરેક જણ સલામ કરી રહ્યો છે.