
Gandhinagar News: ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે યથાવત્ છે. 2100થી વધુ કર્મચારીઓને છૂટા કરાયા, 5000થી વધુને કારણદર્શક નોટિસ.
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હવે 11 દિવસથી ચાલુ છે. આ અનિશ્ચિત મુદતની હડતાળમાં સરકારે સખત વલણ અપનાવ્યું છે અને 8 જિલ્લાઓમાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ ઉપરાંત, 5000થી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણીમાં પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે, જ્યારે સરકારે આરોગ્ય સેવાઓમાં ખલેલ ન પડે તે માટે ‘આવશ્યક સેવાઓ જાળવણી કાયદો’ (ESMA) લાગુ કર્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓ સામે મોટા પગલાં લીધા છે. 1000થી વધુ કર્મચારીઓ સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે અલ્ટીમેટમ બાદ કેટલાક કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “કર્મચારીઓની એક માંગ માન્ય રાખવામાં આવી છે, પરંતુ ગ્રેડ પેમાં સુધારાની માંગ પર ગંભીર વિચારણા જરૂરી છે.” તેમણે એમ પણ કહ્યું કે આ હડતાળ ગેરવાજબી છે અને જો તે ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો વધુ કડક પગલાં લેવાશે.
ફેડરેશનના પ્રમુખ રણજીતસિંહ મોરીના નેતૃત્વમાં કર્મચારીઓએ પોતાનો વિરોધ તેજ કર્યો છે. બુધવારે મધ્યરાત્રિએ તેમણે થાળીઓ વગાડીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. રણજીતસિંહે કહ્યું, “આંદોલન દરમિયાન લેવાયેલી તમામ સજાઓ રદ કરાવીશું.” આરોગ્ય કર્મચારી સંઘે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો વાતચીત માટે નહીં બોલાવવામાં આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન શરૂ થશે. સાથે જ, તમામ કર્મચારીઓને ગાંધીનગર પહોંચીને હડતાળને ટેકો આપવા જણાવાયું છે.
સાબરકાંઠા જિલ્લામાં લગભગ 700 આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. તેમની માંગણીઓ પૂરી ન થતાં આ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. સરકારે અહીં 406 કર્મચારીઓને બરતરફ કર્યા છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સરકારે આવા પગલાં લીધા છેઆરોગ્ય કર્મચારીઓની હડતાળને કારણે ગુજરાતની આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ESMA લાગુ કરીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમે આંદોલનકારીઓને અટકાયત કરવાના આદેશ આપ્યા છે. આવનારા દિવસોમાં આ મુદ્દે કેવો ઉકેલ આવે છે તે જોવું રહ્યું.