
ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગનું મોટું નેટવર્ક ઝડપાયું. બાંગ્લાદેશથી સગીરાઓનું અપહરણ કરી તેમને દેહવિક્રય માટે વેચી દેવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી.
ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાંગ્લાદેશથી અપહરણ કરાયેલ સગીરાઓને ગુજરાત લાવી દેહ વેપારમાં ધકેલવામાં આવતા હોવાના ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. આ નેટવર્કનું મુખ્ય સંચાલન અમદાવાદ, રાજકોટ અને અન્ય શહેરોમાં ફેલાયેલું હતું.
રાજકોટ પોલીસના પીઆઈ જી.આર. ચૌહાણે એક 13 વર્ષની બાંગ્લાદેશી સગીરાને સુરક્ષિત બહાર કાઢતા સમગ્ર રેકેટ સામે આવ્યું. આ સગીરાને બે દલાલો - નિઝામ અને હસીના - કોલકાતા મારફતે અમદાવાદ લાવ્યા હતા અને તેને નારોલમાં રહેતા સુલોટે સિંહ નામની મહિલાને માત્ર ₹40,000માં વેચી દીધી હતી.
બાંગ્લાદેશમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાતા ત્યાંની NGOએ દિલ્હીની ફ્રીડમ NGOનો સંપર્ક કર્યો. ત્યારબાદ આ NGOએ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ પોલીસને જાણ કરી. પોલીસની તલાશી દરમિયાન AHTU (Anti Human Trafficking Unit)ને મહત્વની માહિતી મળી, જે આધારે અમદાવાદમાં સગીરાને શોધવામાં સફળતા મળી.
ગુજરાતમાં આટલી મોટી હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો પર્દાફાશ થવો ચિંતાજનક છે. આ મામલો કેવળ ગુજરાત માટે નહીં, પણ સમગ્ર દેશ માટે ચેતવણીરૂપ છે. હવે પોલીસ અને સંબંધિત એજન્સીઓ આ ગેંગને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સક્રિય બની છે.