
આરોગ્ય કર્મચારી હડતાળ: પડતર માંગણીઓને લઈ 17 માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ, આરોગ્ય વિભાગે 236 વૈકલ્પિક સ્ટાફની તાત્કાલિક વ્યવસ્થા કરી
મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગના 561 આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને 17 માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. આ હડતાળને કારણે ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી છે, જેમાં ઓનલાઈન એન્ટ્રી, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સહિતના કાર્યો ઠપ્ થયા છે.
આરોગ્ય વિભાગે હડતાળ પર ગયેલા કર્મચારીઓને ફરજ પર હાજર થવા નોટિસ પાઠવી છે. સાથે જ આરોગ્ય સેવાઓ યથાવત્ રાખવા NHM પ્રોગ્રામ અને આઉટસોર્સ એજન્સી મારફતે 236 વૈકલ્પિક કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિભાગે લોકોની આરોગ્ય સેવાઓમાં ઘટાડો ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લીધા છે અને માતા-બાળ સંભાળ તેમજ સંક્રમણજન્ય રોગોની સારવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
હાલ, હડતાળ યથાવત્ છે અને આરોગ્ય વિભાગ અને કર્મચારીઓ વચ્ચે ચર્ચાઓ ચાલુ છે. જો સરકાર દ્વારા કોઈ સમાધાન ન થાય, તો આંદોલન હજી વધુ તીવ્ર થવાની સંભાવના છે.