છેલ્લા ૧૦ દિવસમાં માત્ર થાનગઢમાં સીલીકોસીસના ૩ દર્દીના કરુણ મોત

સીલીકોસીસ હજુ કેટલાનો ભોગ લેશે?

થાનગઢ, સુરેન્દ્રનગરમાં છેલ્લા ૧૦ દિવસમાં સીલીકોસીસ રોગને કારણે ૩ કામદારો મોતને ભેટ્યા છે, જે એક ચિંતાજનક ઘટના છે. ૧૩/૦૮/૨૫ને દિવસે ૫૨ વર્ષના સુરેશભાઈ રામજીભાઈ જાદવ, ૧૬/૦૮/૨૫ને દિવસે ૪૦ વર્ષના કાનજીભાઇ ગોવીંદભાઇ પરમાર અને ૨૧/૦૮/૨૫ને રોજ ૪૩ વર્ષના ગીરીશભાઇ મગનભાઇ ચાવડાના અવસાન પામ્યા.

સુરેશભાઇએ ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ઓસ્વાલ્ડ સીરામીક, ૧૯૯૬થી ૨૦૦૦ સુધી ન્યૂ સનરાઇઝ સીરામીક અને ૨૦૦૧થી ૨૦૨૨ સુધી આરતી સીરામીકમાં ગ્લેઝિંગનું કામ કર્યું હતું.

કાનજીભાઈએ ૨૦૧૩ થી ૨૦૨૦ સુધી સેફરોન સીરામીક અને ૨૦૨૦થી ૨૦૨૨ સુધી એમપિરિયલ સીરામીકમાં ગ્લેઝિંગનું કામ કર્યું હતું.

ગિરીશભાઈએ ૨૦૦૪થી ૨૦૧૫ સુધી સોમપુરા સીરામીક અને ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ટોપ એન્કર સીરામીકમાં કામ કર્યું હતું.

આ તમામ ઇએસઆઇ કાયદા હેઠળ લાભ મેળવવાપાત્ર હતા છતાં તેમનો ફાળો કાપવામાં આવતો ન  હતો. તેથે તેઓ વળતરના હકથી વંચીત રહેવા પામે તેમ છે, તેમના પરીવારનું પાલન પોષણ હવે કેમ થશે?

થાનમાં આજે  ૭૫ કરતાં વધુ સીલીકોસીસ દર્દીઓ છે. આ ૩ સીવાય ૫૧ જેટલાના મોત નીપજ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ૧૯૯૯ના અંદાજ મુજબ, ભારતમાં લગભગ ૩૦ લાખ કામદારો સીલીકોસીસના જોખમનો સામનો કરી રહ્યા છે. પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (PTRC)ના નિયામક જગદીશ પટેલના જણાવ્યા મુજબ, “આ અંદાજ ૧૯૯૯નો છે, પરંતુ આજની સ્થિતિમાં જો નવો અંદાજ કાઢવામાં આવે તો આ આંકડો એક કરોડને વટાવી જશે.”

સીલીકોસીસ અટકાવવા માટે ફેક્ટરી એક્ટમાં ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે પણ આ ખાતામાં ઇંસ્પેક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે, ઇંડેસ્ટ્રીયલ હાયજીન તો સાવ નામનું રહ્યું છે ત્યાં નથી કોઇ અધીકારી કે નથી કોઇ ટેકનીશીયન, તેમણે કારખાનામાં જઇ હવાના નમુના લઇ તેમાં સીલીકાની ધુળનું પ્રમાણ કેટલું છે તેનું નિયંત્રણ કરવાનું હોય પણ આ ખાતામાં સરકાર હવે રોકાણ કરવા માગતી નથી તે કમનસીબી છે. તે કારણે આ રોગને અટકાવવાનું કામ અસરકારકપણે થતું નથી.

આવા મૃત્યુઓની પુનરાવૃત્તિ રોકવા માટે વ્યવસાયિક આરોગ્ય નિયમોનો કડક અમલ, ESI યોગદાનનું પાલન, અને ધૂળ નિયંત્રણ પ્રણાલીઓની સ્થાપના જરૂરી છે. સરકારે કામદારોની સુરક્ષા માટે નિયમિત આરોગ્ય તપાસ, વહેલું નિદાન અને પીડિત કામદારો તેમજ તેમના પરિવારોને વળતરની વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. જાહેર જાગૃતિ અભિયાન અને નોકરીદાતાઓ તેમજ કામદારો માટે તાલીમ કાર્યક્રમો પણ આવશ્યક છે.