ટોલ પ્લાઝા પર આર્મી જવાનને થાંભલા સાથે બાંધીને બેરહમીથી માર મારવામાં આવ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ટોલ પ્લાઝા પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ટોલ પ્લાઝાના કર્મચારીઓ એક સેનાના જવાનને થાંભલા સાથે બાંધીને બેરહમીથી માર મારતા જોઈ શકાય છે. આ ઘટનાથી લોકોમાં ગુસ્સો અને રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, પીડિત જવાનની ઓળખ કપિલ કવડ તરીકે થઈ છે, જે શ્રીનગરમાં પોતાની ફરજ પર પરત ફરી રહ્યો હતો. તે પોતાના સંબંધી સાથે દિલ્હી એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો.

વિવાદ કેવી રીતે થયો?

કહેવામાં આવી રહ્યું છે કે ટોલ પ્લાઝા પર લાંબી કતાર હતી. કપિલે ફ્લાઇટ પકડવાની હોવાથી વહેલા જવાની વિનંતી કરી. જોકે, ટોલ કર્મચારીઓએ લાઇનમાંથી બહાર નીકળવાનો ઇનકાર કર્યો. આ અંગે વિવાદ વધુ વકર્યો અને પરિસ્થિતિ હિંસક બની ગઈ.

ચાર ટોલ કર્મચારીઓએ જવાનને થાંભલા સાથે બાંધીને તેને જોરદાર માર માર્યો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જવાનને સતત લાકડીઓથી માર મારવામાં આવી રહ્યો છે.

પોલીસ કાર્યવાહી

મેરઠ પોલીસે જણાવ્યું કે આ ઘટના ભૂની ટોલ પ્લાઝા (મેરઠ-કરનાલ હાઇવે) પર બની હતી. વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં, પોલીસ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.