બેંગકોકમાં ભૂકંપ દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો, હૉસ્પિટલ બહાર થઈ ડિલિવરી

oman gives birth during bangkok earthquake

થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં એક અદભૂત અને ભાવુક બનાવ સામે આવ્યો છે. એક મહિલા એ સમયે માતા બની જ્યારે ભૂકંપના ઉગ્ર ઝટકા અનુભવાયા. ભયાનક પરિસ્થિતિ વચ્ચે, હૉસ્પિટલની મેડિકલ ટીમે પણ હિંમત બતાવી અને મહિલાની પ્રસુતિ હૉસ્પિટલની બહાર જ કરાવી.

ભૂકંપ વચ્ચે હૉસ્પિટલની બહાર પ્રસુતિ કરાવવી પડી

મ્યાનમાર અને થાઇલૅન્ડમાં 7.7 અને 6.4ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા, જેના કારણે બેંગકોકમાં પણ ભારે ધ્રૂજારી અનુભવી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે હૉસ્પિટલની બિલ્ડિંગ પણ હચમચી ગઇ. આવી સ્થિતિમાં, ડૉક્ટર્સ માટે અંદર ડિલિવરી કરાવવી જોખમી બની. તેથી, મેડિકલ ટીમે ઝડપભેર નિર્ણય લીધો અને મહિલાને હૉસ્પિટલની બહાર લઈ જઈ તાત્કાલિક પ્રસુતિ કરાવી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


આ ઘટના અનોખી હતી અને તેનો વિડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ જનરલ હૉસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સિસ એક સ્ટ્રેચર પર મહિલાને રાખી પરિસ્થિતિ સંભાળે છે. હૉસ્પિટલના પ્રવક્તા કર્નલ સિરિકુલ શ્રીસંગાએ પણ પુષ્ટિ કરી કે, મેડિકલ ટીમે મહિલા અને નવજાત બાળકની સલામતી માટે તમામ જરૂરી પગલાં લીધા હતા.

વિનાશક ભૂકંપે તબાહી મચાવી

ભૂકંપ એટલો ભયાનક હતો કે મ્યાનમાર અને થાઇલૅન્ડ સહિત પાંચથી વધુ દેશો હચમચી ગયા. મ્યાનમારમાં અનેક બહુમાળી ઇમારતો ધરાશાયી થઈ, જેના કારણે 1000થી વધુ લોકોના મોત નીપજ્યા અને 2376થી વધુ લોકો ઘાયલ થયા.

આ ઘટના એ સાબિત કરે છે કે કોઈપણ પરિસ્થિતિમાં મેડિકલ સ્ટાફ હિંમતથી પોતાની જવાબદારી નિભાવે છે.