ભત્રીજા ની ફી ભરવા માટે રૂપિયા ન હોવાથી મહિલાએ તોડ્યું એટીએમ, સીસીટીવીના આધારે ધરપકડ

મધ્યપ્રદેશના જબલપુર માંથી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. એક મહિલા આર્થિક સંકટના કારણે તેમના 16 વર્ષના ભત્રીજાની સ્કૂલ ફી ભરવા માટે રૂપિયા ન હોવાથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ ઘટના સામે આવી અને મહિલાની ધરપકડ કરવામાં આવી ત્યારે મહિલાએ જણાવ્યું કે તેમનો ભત્રીજો ધોરણ 11 માં ભણે છે અને તેમને ફી ભરવા માટે રૂપિયા ન હોવાથી આ પગલું ભર્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બંને મોડી રાત્રે લોખંડના સળિયા, સ્પેનર, સ્ક્રુડ્રાઈવર અને સ્ટીલના સળિયા જેવા સાધનો સાથે ATMમાં પ્રવેશ્યા હતા. તેઓએ મશીનને નુકસાન પહોંચાડીને પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયા. જતી વખતે, મહિલા પોતાની સાથે ત્રણ CCTV કેમેરા પણ લઈ ગઈ હતી.

30 ઓગસ્ટના રોજ, SBI રોયલ સ્કૂલ શાખાના મેનેજરે ATM તોડફોડની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ તોડફોડમાં લગભગ 50 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે CCTV ફૂટેજ તપાસીને આરોપીઓની ઓળખ કરી હતી અને પછી તેમને પકડી લીધા હતા.

નરસિંહપુરની 24 વર્ષીય મહિલા અને તેનો સગીર ભત્રીજો આ કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલા કેમેરા, સાધનો અને ગુનામાં વપરાયેલ એક્ટિવા જપ્ત કર્યા છે.

સંજીવની નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વીડી દ્વિવેદીએ જણાવ્યું હતું કે મહિલાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે, જ્યારે સગીરને કાયદાના સંઘર્ષમાં સગીર તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.