
કેનેડાથી આવેલા ભારતીય દંપતી સાથે ઘટી મોટી દુર્ઘટના દુલ્હનના વાળ અને શરીરે ગંભીર ઈજા, હોસ્પિટલમાં કરાઈ સારવાર
કોઈપણ કપલ માટે તેમના વિશેષ પળોને યાદગાર બનાવવું મહત્વપૂર્ણ હોય છે. ફોટોશૂટ એ યાદોને સંભાળવાની એક સુંદર રીત છે, પરંતુ કેટલીકવાર એક નાનકડો અકસ્માત પણ જીવનભરનો પસ્તાવો આપી શકે. આવું જ એક કિસ્સો કેનેડાથી ભારત આવેલા ભારતીય દંપતી સાથે બન્યો, જ્યાં ફોટોશૂટ દરમિયાન કલર બોમ્બ ફાટતા દુલ્હન ગંભીર રીતે દાઝી ગઈ.
દંપતીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી. વિકી અને પિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફોટોશૂટ દરમિયાન કલર બોમ્બ ફાટતા દુલ્હન ઘાયલ થઈ રહી છે.
દુલ્હનના વાળ અને શરીર બળી ગયા હતા, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.
દંપતીએ પોસ્ટમાં લખ્યું કે, "અમારો પ્લાન હતો કે વરરાજા દુલ્હનને ખોળામાં ઉપાડે અને બેકગ્રાઉન્ડમાં કલર બોમ્બ ફૂટે, જે દૃશ્યને વધુ સુંદર બનાવે. પરંતુ, બોમ્બ સીધો અમારી તરફ ફૂટ્યો, જેના કારણે દુલ્હન ગંભીર રીતે દાઝી ગઈ. આ દુર્ઘટનામાં સારા સમાચાર એ છે કે અમારા બાળકને અમે અમારી સાથે રાખ્યું નહોતું."
પોસ્ટ સાથે વિડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે વિસ્ફોટ પછી અરાજકતા ફેલાઈ ગઈ. દુલ્હનને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેના શરીર પર ગંભીર બળતરા થઈ હોવાનું સામે આવ્યું.
જોકે, સારવાર બાદ દંપતીએ રિસેપ્શનમાં ભાગ લીધો અને રાત્રિનો આનંદ માણ્યો.
આ દુર્ઘટનાની પછડાટ સાથે દંપતીએ લોકોને ચેતવણી આપતાં કહ્યું કે, "ફટાકડા અને કલર બોમ્બનો ઉપયોગ કરતી વખતે બધી સાવચેતી રાખવી જોઈએ. અમે સલામતીના તમામ પગલાં લીધા છતાં અકસ્માત સર્જાયો, અને આજે અમે ઘાયલ છીએ."
આ ઘટના ફટાકડા અને કલર બોમ્બ સાથે ફોટોશૂટ કરતી વખતે સાવધાની રાખવાની એક મહત્વપૂર્ણ ચેતવણી છે.