
Gujarat Health Workers Strike: ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં સરકારની કડક કાર્યવાહી, 1100 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા, 10,000ને નોટિસ ફટકારી.
ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માગણીઓને લઈને 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહેલા આ કર્મચારીઓ પર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે એસ્મા (એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કર્યો હોવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. સરકારે અત્યાર સુધીમાં 1100 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે, જ્યારે 4000થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસની શરૂઆત કરી છે. આ ઉપરાંત, 10 હજારથી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં લગભગ 400 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી છૂટા કરવાની નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાંથી હટાવવાનો આદેશ જારી થયો છે. આંદોલનને વધુ ધાર આપવા માટે કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના નેતાઓએ સરકારના આ પગલાંને અન્યાયી ગણાવીને આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
નવસારી જિલ્લા આરોગ્ય મંડળના પ્રમુખ નીલ દેસાઈએ જણાવ્યું કે, “અમારી માગણીઓ નવી નથી, ઘણા સમયથી પડતર છે. અમે ઈચ્છીએ છીએ કે અમને ટેકનિકલ કેડરમાં સામેલ કરવામાં આવે અને તે મુજબનો ગ્રેડ પે આપવામાં આવે. બીજું, અમારે ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ જોઈએ છે, કારણ કે બીજા કોઈ વિભાગમાં આવી પરીક્ષાઓ લેવાતી નથી.” તેમણે ઉમેર્યું કે, “અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીએ છીએ, છતાં સરકાર અમારા પર કડક કાર્યવાહી કરે છે, જે ખોટું છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અમે ગાંધીનગરમાં રહીને લડત ચાલુ રાખીશું.”
આરોગ્યકર્મીઓ ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષાઓ રદ કરવા જેવી માગણીઓ સાથે 10 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે હજારો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા અને કેન્ડલ માર્ચ યોજીને સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે એવી પણ ચેતવણી આપી કે જ્યાં સુધી સરકાર જીઆર ઠરાવ નહીં કરે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
હડતાળનો 9મો દિવસ પૂરો થયો હોવા છતાં સરકારે કોઈ સકારાત્મક પ્રતિસાદ આપ્યો નથી. કર્મચારીઓ ગ્રેડ પેમાં સુધારો, ટેકનિકલ કેડરમાં સમાવેશ અને પરીક્ષાઓમાંથી મુક્તિ જેવી માગણીઓ સાથે લડત આપી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 284 કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ છે, જ્યારે 8 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા છે. આ ઉપરાંત, 276 કર્મચારીઓને ચાર્જશીટ પણ ફટકારવામાં આવી છે.
આરોગ્ય સેવાઓ પર અસર થવાના જોખમને જોતાં સરકારે એસ્મા લાગુ કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું કે, “આ હડતાળ ગેરવાજબી છે. જો કર્મચારીઓએ તાત્કાલિક હડતાળ પાછી નહીં ખેંચી, તો સરકાર વધુ કડક પગલાં લેશે.”
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આંદોલનને સમર્થન આપતાં કહ્યું, “આરોગ્યકર્મીઓએ કોરોના સમયે પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોની સેવા કરી છે. તેમની માગણીઓ વાજબી છે. સરકારે તેમને ટેકનિકલ ગ્રેડ પે આપવો જોઈએ અને ખાતાકીય પરીક્ષાઓ બંધ કરવી જોઈએ. અમે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને વાટાઘાટો માટે બોલાવવા કહ્યું છે.”